અમેરિકામાંથી વિદેશી નાગરિકોને કાઢવાની ટ્રમ્પની જીદ તેમને જ ભારે પડશે
ડોનલ્ડ ટ્રમ્પ આ વર્ષના જાન્યુઆરીમાં ફરી અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારે કેટલાક વિશ્ર્લેષકોએ ચેતવણી આપી હતી કે ટ્રમ્પ અમેરિકાને અરાજકતા અને અંધાધૂંધી તરફ ધકેલી દેશે. ટ્રમ્પને છ મહિના પણ નથી થયા ત્યાં આ આગાહી સાચી પડી રહી હોય એવું લાગી રહ્યું છે. ટ્રમ્પની નીતિઓના કારણે અમેરિકામાં અસંતોષ વધી રહ્યો છે અને લોસ એન્જલસની ઘટનાએ સાબિત કર્યું છે કે, ટ્રમ્પ પોતાની નીતિઓ નહીં બદલે તો અમેરિકા અરાજકતા અને અંધાધૂંધીની આગમાં ધકેલાઈ શકે છે.
ટ્રમ્પે પ્રમુખ બનતાં જ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા ભારતીયો સહિતના વિદેશીઓને દેશમાંથી ધકેલવાનો કાર્યક્રમ શરૂૂ કરી દીધેલો. પહેલા તબક્કામાં કોઈ પણ દસ્તાવેજો વિના અમેરિકામાં ઘૂસતાં ઝડપાઈ ગયેલા વિદેશીઓને પ્લેનમાં બેસાડી બેસાડીને તેમના દેશભેગા કરી દેવાયેલા. ટ્રમ્પનો એ કાર્યક્રમ બહુ સફળ નહોતો થયો પણ ટ્રમ્પના માથે વિદેશીઓને તગેડવાની સનક સવાર છે એટલે ટ્રમ્પ એક કદમ આગળ વધ્યા છે. હવે ટ્રમ્પે અમેરિકામાં મોટાં શહેરોમાં ગેરકાયદે રીતે રહેતા વિદેશીઓને શોધી શોધીને ઘરભેગા કરવાનું ફરમાન બહાર પાડયું છે. ટ્રમ્પના આદેશના પગલે અમેરિકન સરકારે 6-7 જૂનના રોજ લોસ એન્જલસમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે ઝુંબેશ શરૂૂ કરી અને તેની સામે ભડકો થઈ ગયો.
ટ્રમ્પની દેશનિકાલ નીતિના ભાગરૂૂપે શરૂૂ કરાયેલી આ ઝુંબેશ સામે લોકો રસ્તા પર આવી ગયાં છે. લોસ એન્જલસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ સામે કડક કાર્યવાહીના વિરોધમાં ચાર દિવસથી દેખાવો થઈ રહ્યા છે અને આ દેખાવોએ હિંસક સ્વરૂૂપ ધારણ કરી લીધું છે. ગેરકાયદે રીતે રહેતાં લોકો સામે ટ્રમ્પ સરકારની કાર્યવાહીના વિરોધમાં કેલિફોર્નિયામાં સ્થાનિક લોકો મેદાનમાં આવી ગયાં છે કેમ કે કેલિફોર્નિયાની ઈકોનોમી ગેરકાયદે રીતે રહેતાં લોકોના ભરોસે જ ચાલે છે. કેલિફોર્નિયામાં આવેલાં વિશાળ ખેતરોથી માંડીને હોલિવૂડ સુધી બધે જ મજૂરીનાં કામ આ લોકો જ કરે છે.
આ લોકોને તગેડી મુકાય તો કામ કોણ કરે એ ચિંતામાં સ્થાનિક લોકોએ મોરચો માંડ્યો છે. લોસ એન્જલસનાં તોફાનો અમેરિકામાં ભવિષ્યમાં કેવી સ્થિતિ સર્જાશે તેનું ટ્રેલર છે. ટ્રમ્પને અમેરિકાને ફરી મહાન બનાવવા માટે તમામ વિદેશીઓને તગેડી મૂકવામાં રસ છે, પણ તેમને તગેડવા અઘરા છે. અમેરિકામાં લગભગ દોઢ કરોડ વિદેશીઓ ગેરકાયદે રીતે રહે છે. હવે લોસ એન્જલસ જેવા એક શહેરમાં જ વિદેશીઓને તગેડવાની ઝુંબેશ સામે ઉગ્ર દેખાવો થતા હોય ને હિંસા ફાટી નિકળતી હોય તો અમેરિકાના બીજા ભાગોમાં કેવાં રીએક્શન આવશે તેની કલ્પના કરવી અઘરી નથી.