ચીન મામલે ટોપ સિક્રેટ મીટિંગમાં મસ્ક પહોંચતા ટ્રમ્પની કમાન છટકી
એલન ત્યાં શું કરી રહ્યા છે ?, એવું પૂછી મીટિંગ જ રદ કરી નાખી: માહિતી લીક કરવા મામલે વ્હાઈટ હાઉસના બે અધિકારી સસ્પેન્ડ
અમેરિકી રાષ્ટ્રપતિના નજીકના માનવામાં આવતા એલોન મસ્કને લઈને એક મોટો સમાચાર સામે આવ્યો છે. અહેવાલ મુજબ, અમેરિકા ચીન પર ટોપ સિક્રેટ મીટિંગ કરી રહ્યું હતું. પરંતુ આ ઉચ્ચ સ્તરીય ગુપ્ત મીટિંગની માહિતી એલોન મસ્કને પણ લીક થઈ ગઈ, જેના કારણે તેઓ પણ તે મીટિંગમાં પહોંચી ગયા. ચીન સાથે ચાલી રહેલી અમેરિકી અધિકારીઓની ટોપ સિક્રેટ મીટિંગમાં એલોન મસ્કના પહોંચવાની માહિતી મળતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા. તેમણે પૂછ્યું કે, એલોન ત્યાં શું કરી રહ્યો છે? ટ્રમ્પે વ્હાઇટ હાઉસના અધિકારીઓને ટેસ્લાના બોસ મસ્કને મીટિંગમાંથી બહાર કાઢવા માટે મીટિંગ જ રદ્દ કરાવી દીધી હતી. મીટિંગની માહિતી લીક થવાની તપાસ શરૂૂ કરવામાં આવી છે.
માહિતી લીક કરવાના આરોપમાં વ્હાઇટ હાઉસના બે અધિકારીઓ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ્સ હેગસેથે પેન્ટાગોનના બે ટોચના અધિકારીઓ, ડેન કેલ્ડવેલ અને ડેરીન સેલનિકને સસ્પેન્ડ કર્યા છે. હવે એ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે મસ્કને ચીન સાથેની ટોપ સિક્રેટ મીટિંગની માહિતી કોણે પહોંચાડી. મીટિંગમાં મસ્કની હાજરીની માહિતી મળતા જ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને ચીન પરની ટોપ સિક્રેટ સરકારી મીટિંગમાં ભાગ લેતા રોક્યા હતા.
ચીન પરની ટોપ સિક્રેટ મીટિંગની માહિતી લીક થયા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્મચારીઓને આ મીટિંગ રદ્દ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ હેગસેથે મીટિંગ રદ્દ કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો. એક ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓની આયોજિત હાજરી વિશે સાંભળ્યું, ત્યારે તેઓ ગુસ્સામાં બબડાટ કરવા લાગ્યા હતા અને કર્મચારીઓને કહ્યું, એલોન ત્યાં શું કરી રહ્યો છે? ખાતરી કરો કે તે ન જાય. રાષ્ટ્રપતિ કથિત રીતે એ વાતથી નારાજ હતા કે મસ્કને બ્રીફિંગ આપવામાં આવી રહી છે, કારણ કે સ્પેસએક્સના સ્થાપક મસ્કના ચીનમાં અબજો પાઉન્ડના વ્યાપારી હિતો છે. આવી સ્થિતિમાં, મસ્કને આ મીટિંગમાં સામેલ થવાની લાલસા વધુ હતી.
ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર લખ્યું, તેઓએ ખોટું કહ્યું કે એલોન મસ્ક આવતીકાલે પેન્ટાગોન જઈ રહ્યા છે, જેથી તેમને ચીન સાથેના સંભવિત યુદ્ધ વિશે માહિતી આપવામાં આવે. તેમણે લખ્યું, કેટલું હાસ્યાસ્પદ છે? ચીનનો ઉલ્લેખ કે ચર્ચા પણ કરવામાં આવશે નહીં. આ કેટલું શરમજનક છે કે બદનામ મીડિયા આવા જૂઠાણાં ઘડી શકે છે. કોઈપણ રીતે, વાર્તા સંપૂર્ણપણે ખોટી છે.
મસ્કને સમજાવવામાં આવી મર્યાદા
એક અમેરિકી સૂત્રએ સમાચાર આઉટલેટને જણાવ્યું, ‘રાષ્ટ્રપતિ હજી પણ એલોનને પ્રેમ કરે છે, પરંતુ કેટલીક સીમાઓ છે. એલોનનો ચીનમાં ઘણો વેપાર છે અને ત્યાં તેમના સારા સંબંધો છે. આવી સ્થિતિમાં, આ ટોપ સિક્રેટ બ્રીફિંગમાં તેમનું હોવું યોગ્ય વાત નહોતી.’ ન્યૂ યોર્ક ટાઈમ્સે 20 માર્ચે અહેવાલ આપ્યો હતો કે મસ્કને ચીન સાથેના કોઈપણ યુદ્ધની સ્થિતિમાં અમેરિકી સેનાની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવશે. અહેવાલ ઓનલાઈન પોસ્ટ થયાના થોડા સમય બાદ, ટ્રમ્પ અને પેન્ટાગોનના અધિકારીઓએ આ સત્ર ચીન સાથે સંબંધિત સૈન્ય યોજનાઓ વિશે હશે તે વાતનો ઇનકાર કર્યો હતો.