પાક. પર મહેરબાન ટ્રમ્પ હવે AIM-120 મિસાઇલ વેચશે
એક મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનને અમેરિકા તરફથી AIM-120 એડવાન્સ્ડ મીડિયમ-રેન્જ એર-ટુ-એર મિસાઇલ્સ (AMRAAM) મળવાની સંભાવના વધી ગઈ છે. અમેરિકાના યુદ્ધ મંત્રાલય (DOW) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા એક શસ્ત્ર કરારમાં AIM-120 AMRAAM મિસાઇલના ખરીદદારોમાં પાકિસ્તાનનું નામ પણ સામેલ છે.
આ કરારમાં બ્રિટન, પોલેન્ડ, જર્મની, ફિનલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રોમાનિયા, કતાર, ઓમાન, કોરિયા, ગ્રીસ, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, સિંગાપોર, નેધરલેન્ડ, ચેક રિપબ્લિક, જાપાન, સ્લોવાકિયા, ડેનમાર્ક, કેનેડા, બેલ્જિયમ, બહેરીન, સાઉદી અરબ, ઇટાલી, નોર્વે, સ્પેન, કુવૈત, સ્વીડન, તાઇવાન, લિથુઆનિયા, ઇઝરાયેલ, બલ્ગેરિયા, હંગેરી અને તુર્કી સહિત 30થી વધુ દેશોને વિદેશી સૈન્ય વેચાણનો સમાવેશ થાય છે.
જોકે, પાકિસ્તાનને કેટલી નવી AMRAAM મિસાઇલો આપવામાં આવશે તે અંગે હજી સ્પષ્ટતા નથી, પરંતુ આ સમાચાર સામે આવતાં પાકિસ્તાની વાયુસેનાના F-16 કાફલાને વધુ અદ્યતન બનાવવાની ચર્ચા શરૂૂ થઈ ગઈ છે.
નોંધનીય છે કે, પાકિસ્તાન એરફોર્સના ચીફ ઑફ એર સ્ટાફ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબરે જુલાઈમાં અમેરિકાના વિદેશ વિભાગની મુલાકાત લીધી હતી. સંરક્ષણ પ્રકાશન કુવા (Kuwa) મુજબ, જે મિસાઇલ પાકિસ્તાનને મળવાની શક્યતા છે, તે AIM-120C8 છે, જે AIM-120Dનું નિકાસ સંસ્કરણ (Export Version) છે. આ મિસાઇલ અમેરિકન સેવામાં AMRAAMનું મુખ્ય વેરિઅન્ટ છે.