હશ મની કેસમાં ટ્રમ્પને 10મીએ સજા સંભળાવાશે
20મીએ શપથ લે એ પહેલાં કોર્ટમાં થવું પડશે હાજર
અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ પહેલા એક મોટા સંકટમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોર્ન સ્ટારને ચૂપ રહેવા માટે પૈસા ચૂકવવાના કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર રહેવું પડશે. કોર્ટ 10મી જાન્યુઆરીએ સજા સંભળાવશે. આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો કે, જજે જેલમાં ન જવાનો સંકેત આપ્યો છે.
કોર્ટનો આ આદેશ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદના શપથ ગ્રહણના બે અઠવાડિયા કરતા ઓછા સમય પહેલા આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ અમેરિકાના પ્રમુખ તરીકે શપથ લેશે. અગાઉ તેમણે પોર્ન સ્ટાર્સને પૈસા આપવાના આરોપોને ફગાવી દીધા હતા અને તેને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. ન્યૂયોર્કના ન્યાયાધીશ જુઆન માર્ચેને સંકેત આપ્યો કે, ડોનાલ્ડ ટ્રમ્પને જેલની સજા અથવા દંડ નહીં થાય, પરંતુ તેમને શરતી મુક્તિ આપશે. ડોનાલ્ડ ટ્રમ્પ રૂૂબરૂૂ અથવા વર્ચ્યુઅલ રીતે સુનાવણી માટે હાજર રહી શકે છે.
અહેવાલો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2006માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. વર્ષ 2016ની પ્રમુખ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી ડેનિયલ્સ આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 1 લાખ 30 હજાર ડોલર આપીને ચુપ રહેવા અને ખોટા બિઝનેસ રેકોર્ડ્સ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.