G-7 સંમેલન છોડી ટ્રમ્પ પરત: મોદી સાથે મુલાકાત નહીં થાય
મધ્ય-પૂર્વમાં તણાવ વધતાં અમેરિકી પ્રમુખે પ્રવાસ ટૂંકાવ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડાની મુલાકાતે પહોંચ્યા છે. તેઓ હાલમાં કેલગરી પહોંચ્યા છે, જ્યાંથી તેઓ આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાનારી 51મી જી-7 સમિટમાં હાજરી આપશે. પીએમ મોદી સીધા સાયપ્રસથી કેનેડા પહોંચ્યા છે. પીએમ મોદી આ આંતરરાષ્ટ્રીય મંચ પર ઘણા વૈશ્વિક નેતાઓ સાથે જોવા મળશે. જોકે, આ સમિટમાં પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે કોઈ મુલાકાત થશે નહીં.
હકીકતમાં, ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે, યુએસ પ્રમુખ ટ્રમ્પ જી-7 સમિટ વહેલા છોડી રહ્યા છે. ટ્રમ્પ ગતરાત્રે વોશિંગ્ટન ડીસી જવા રવાના થયા હતા. મધ્ય-પૂર્વમાં વધતા તણાવથી ટ્રમ્પે પોતાની યાત્રા અચાનક ટુંકાવી હતી. સાત દેશોનો સમૂહ - કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, બ્રિટન અને યુએસ - વૈશ્વિક અર્થતંત્રના 44% ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ તેનું કદ વૈશ્વિક વસ્તીના માત્ર 10% છે.
2015 પછી પીએમ મોદીની કેનેડાની આ પહેલી મુલાકાત છે. તેઓ જી-7 સમિટમાં કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્ની, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી અને મેક્સીકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમને મળશે. આ ઉપરાંત, પીએમ મોદી ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને પણ મળશે.
ઇરાન જીતશે નહીં, મોડું થાય તે પહેલાં વાટાઘાટો કરો: ટ્રમ્પ
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષમાં ઈરાન જીતી શકશે નહીં, અને ખૂબ મોડું થાય તે પહેલાં વાટાઘાટોમાં પાછા ફરવું જોઈએ. ટ્રમ્પે કેનેડામાં ચાલી રહેલી જી7 બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. એક સમાચાર પ્રમાણે, એવું જાણવા મળ્યું છે કે ટ્રમ્પે જી-7 નિવેદન પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો છે. આ નિવેદન ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવ ઘટાડવા અને પશ્ચિમ એશિયામાં સ્થિરતા જાળવવાની અપીલ કરે છે. ટ્રમ્પે રશિયાને જી-7 (અગાઉ જી-8) માંથી બહાર કાઢવા બદલ કેનેડાના ભૂતપૂર્વ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો અને ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા પર નિશાન સાધ્યુ છે.
સુરક્ષામાં ચૂક: આલ્બર્ટામાં ‘નો ફ્લાય’ ઝોનમાં વિમાન ઘુસી ગયું
જી-7 સમીટ માટે આલ્બર્ટામાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ નો ફ્લાય ઝોનમાં એક પ્રાઈવેટ પ્લેન ઘુસી જતા ચકચાર મચી ગઈ છે. કેનેડાની સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલ કડક સુરક્ષા વ્યવસ્થા પર સવાલો પણ ઉઠી રહ્યા છે. આલ્બર્ટાના કનાનાસ્કિસ ક્ધટ્રીમાં નો ફલાય ઝોન ડીકલેર કરવામાં આવ્યો છે. આ નો ફ્લાય ઝોનમાં એક પ્રાઈવેટ પ્લેન ઘુસી ગયું છે. જેવી આ ઘટના ઘટી કે તરત જ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે વિમાનને રોકવા માટે સીએફ-18 હોર્નેટ ફાઈટર જેટ દ્વારા વિમાનને કોર્ડન કરી લેવાયું. આ વિમાનને રીઝર્વ એરબેઝ પર લેન્ડ કરાવવામાં આવ્યું. અત્યારે વિમાનના પાયલોટની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. શનિવાર સવારથી કેલગરી અને કનાનાસ્કિસ બંનેના હવાઈ ક્ષેત્રો પર હંગામી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. કનાનાસ્કિસ નો ફ્લાય ઝોનની પરિમિતિ 30 નોટિકલ માઈલ છે. કેલગરી ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ નો ફ્લાય ઝોનની પરિમિતિ 20 નોટિકલ માઇલ છે. મંગળવાર મધ્યરાત્રિ સુધી બંને સ્થળોએ પ્રતિબંધો લાગુ રહેશે.