ટ્રમ્પ-મસ્કનો ઝઘડો હવે ખુલ્લા યુધ્ધમાં ફેરવાયો: કંઈક તો નવા જૂની થશે જ
અમેરિકન પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને તેમના એક સમયના ખાસમખાસ ગણાતા ઉદ્યોગપતિ ઈલોન મસ્કના સંબંધો કડવાશભર્યા બની ચૂક્યા છે અને બંને વચ્ચે લાંબા સમયથી વાક્યુદ્ધ ચાલે છે. એક સમયે ટ્રમ્પના પગોમાં આળોટી જઈ ટ્રમ્પની ચાપલૂસીમાં કોઈ કસર નહીં છોડનારા મસ્ક હવે ખુલ્લેઆમ ટ્રમ્પની નીતિઓની ટીકા કરે છે ને સામે ટ્રમ્પ મસ્કની મજાક ઉડાવતી કોમેન્ટ્સ કર્યા કરે છે. લોકશાહીમાં દરેકને પોતાના મત વ્યક્ત કરવાનો અધિકાર છે તેથી બંને વચ્ચેનો ઝગડો અહીં લગી બરાબર હતો પણ હવે મસ્કે નવો રાજકીય પક્ષ બનાવવાનો સંકેત આપ્યો ને સામે ટ્રમ્પે મસ્કની દુકાન બંધ કરાવીને અમેરિકામાંથી ડીપોર્ટ કરીને દક્ષિણ આફ્રિકા મોકલી દેવાની ધમકી આપતાં આ લડાઈમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે.
મસ્ક અને ટ્રમ્પની સામસામી ધમકીમાં ટ્રમ્પ થૂંક જ ઉડાવી રહ્યા છે કેમ કે અમેરિકા કંઈ ટ્રમ્પના બાપની જાગીર નથી કે ધારે તેને લાત મારીને તગેડી શકે. અમેરિકામાં અદાલતો બંધારણ ગેરકાયદેસર રીતે રહેતાં લોકોને રાતોરાત તગેડી મૂકવા નથી દેતું ત્યારે મસ્ક તો અમેરિકાના નાગરિક છે તેથી ટ્રમ્પને તુક્કો સૂઝે ને મસ્કની દુકાન બંધ કરાવીને તગેડી મૂકે એ શક્ય નથી પણ ટ્રમ્પથી દુભાયેલા મસ્ક અમેરિકામાં નવી પાર્ટી બનાવે એ શક્ય છે. મસ્કને એમ છે કે, પોતાની પાસે પુષ્કળ નાણાં છે ને તેના જોરે પોતે અમેરિકામાં ધારે તેને સત્તામાં લાવી શકે છે પણ આ તેનો ભ્રમ છે. એક જમાનામાં ડોનલ્ડ ટ્રમ્પને પણ આવો ભ્રમ હતો.
ટ્રમ્પે 2000ની સાલમાં રીફોર્મ પાર્ટીના પ્રમખપદના ઉમેદવાર બનવાની રેસમાં ઝંપલાવેલું પણ પછી પીછેહઠ કરી હતી. ટ્રમ્પને પહેલાં મસ્કની જેમ નાણાંના જોરે સત્તા કબજે કરવાનું શક્ય લાગતું પણ ચૂંટણીના મેદાનમાં ઊતરવાનું નક્કી કર્યા પછી બહુ જલદી વાસ્તવિક્તાનું ભાન થઈ ગયું એટલે એ ધખારા મૂકીને રિપબ્લિકન પાર્ટીમાં સક્રિય થઈ ગયા. ટ્રમ્પે નાણાંના જોરે ધીરે ધીરે રિપબ્લિકન પાર્ટી પર કબજો કરી લીધો ને બે વાર પ્રમુખ બની ગયા. મસ્કે પણ ટ્રમ્પ સામે બાંયો ચડાવવાના એ રસ્તો અપનાવવો જોઈએ. રિપબ્લિકન પાર્ટીમાં પણ ટ્રમ્પના વિરોધીઓ છે જ. મસ્કે પોતાનાં નાણાંનો ઉપયોગ તેમને મજબૂત કરીને ટ્રમ્પ સામે પડકાર ઊભો કરવામાં કરવો જોઈએ, ટ્રમ્પના નિર્ણયો સામે રિપબ્લિકન પાર્ટીમાં જ વિરોધ થાય એવી સ્થિતિ પેદા કરવી જોઈએ. નવી પાર્ટી બનાવીને ટ્રમ્પને નુકસાન કરવાનો કે અમેરિકાના ભાગ્યવિધાતા બનવાનો વિચાર બહુ શાણપણભર્યો નથી.