રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધવિરામમાં ટ્રમ્પ મધ્યસ્થી ભલે કરે, પણ કોઇને ફરજ ન પાડે
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થનારી વાતચીતમાં શું થાય છે તેના પર આખી દુનિયાની નજર હતી. યુક્રેને અમેરિકાના કહેવાથી 30 દિવસના યુદ્ધવિરામની તૈયારી બતાવી છે અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી 30 દિવસના યુદ્ધવિરામના પ્રસ્તાવ પર સંમત થયા છે પણ પુતિન શું જવાબ આપે છે એ વધારે મહત્ત્વનું હતું કેમ કે તાળી એક હાથે નથી પડતી.
સદનસીબે પુતિને પણ યુદ્ધવિરામ માટે હા પાડતાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ થંભી જાય એવી આશા ઊભી થઈ છે. પુતિન અને ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે ફોન પર થયેલી 90 મિનિટની વાતચીતમાં પુતિને યુદ્ધવિરામ સ્વીકારવા કેટલીક શરતો મૂકી છે ને તેમાં મુખ્ય શરત એ છે કે, નાટોએ વચન આપવું જોઈએ કે યુક્રેનને સભ્યપદ નહીં અપાય. ટ્રમ્પ સાથેની વાતચીત પછી રશિયાએ બહાર પાડેલા સત્તાવાર નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ નથી પણ રશિયાના નાયબ વિદેશ પ્રધાન એલેક્ઝાન્ડર ગ્રુશ્કોએ પુતિને આ શરત મૂકી હોવાનું કહ્યું છે. ગુશ્કોના કહેવા પ્રમાણે, રશિયાને નક્કર ગેરંટી મળવી જોઈએ કે યુક્રેન તટસ્થ સ્થિતિમાં રહેશે અને એ માટે નાટો દેશોએ વચન આપવું પડશે કે તેઓ યુક્રેનને સભ્યપદ નહીં આપે.
ખેર, બિત ગઈ સો બાત ગઈ એ હિસાબે જે ગયું તેને ભૂલી જવામાં જ મજા છે ને હવે પછી શું થવું જોઈએ એ વિચારવાની જરૂૂર છે કેમ કે યુદ્ધ કોઈને પરવડે તેમ નથી. યુદ્ધમાં માણસો તો મરે જ છે પણ આર્થિક ખુવારી પણ મોટી થાય છે અને આ ખુવારી યુદ્ધમાં સામેલ દેશો પૂરતી મર્યાદિત નથી હોતી. ભલે રશિયા અને યુક્રેન જ લડતાં હોય પણ તેની અસર આખી દુનિયા પર પડે છે એ જોતાં કાયમી શાંતિ જરૂૂરી છે. અલબત અમેરીકી પ્રમુખ યુક્રેનને ધાકધમકી આપી તેના સાર્વભૌમત્વ-સ્વમાનના ભોગે રશિયા સાથે યુધ્ધવિરામ કરવા ફરજ પાડી રહ્યા છે. અમેરિકી મધ્યસ્થીની ભુમિકા શબ્દો અને ભાવનામાં ભજવી યુક્રેનના હિતોનું પણ ધ્યાન રાખવું જોઇએ.