ટ્રમ્પ અઘરી આઇટમ છે, ભારતે સ્વમાન જાળવી તેમની સાથે કામ કરવું પડશે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે આપેલી ધમકીનો અમલ કરીને કેનેડા અને મેક્સિકોમાંથી આવતા માલ-સામાન પર 25 ટકા ડયુટી લાદવાની જાહેરાત કરી નાખી. સાથે સાથે ચીનથી આવતા માલ-સામાન પર પણ વધારાની 10 ટકા ટકા ડ્યૂટી લાદવાની જાહેરાત કરી નાંખી છે. આ ત્રણેય દેશોએ 2023 માં અમેરિકા પાસેથી એક ટ્રિલિયન ડોલર (લગભગ 85 લાખ કરોડ રૂૂપિયા)થી વધુ કિંમતનો માલ ખરીદ્યો હતો અને 1.5 ટ્રિલિયન ડોલરથી વધુ મૂલ્યનો માલ વેચ્યો હતો. મતલબ કે, અમેરિકા પાસેથી લીધેલા માલ કરતાં દોઢો માલ પધરાવ્યો છે. તેના કારણે અમેરિકાની વેપાર ખાધ વધી છે તેથી ટ્રમ્પે વધારાની ડ્યૂટી લાદી દીધી.
ચીને ટ્રમ્પની જાહેરાત સામે કોઈ પ્રતિક્રિયા આપી નથી પણ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અને મેક્સિકનાં પ્રમુખ ક્લાઉડિયા શિનબૌમે પણ અમેરિકાથી આવતા માલ સામાન પર 25 ટકા ડડ્યૂટી લાદવાની જાહેરાત કરી નાખતાં જંગ શરૂૂ થઈ ગયો છે. મેક્સિકો અને કેનેડા ઉત્તર અમેરિકામાં છે અને યુએસનાં સૌથી નજીકના પાડોસી છે. બંનેની સરહદ યુએસને સ્પર્શે છે તેથી ટ્રમ્પે પોતાના સાવ નજીકના પાડોશીઓ સાથે આર્થિક યુદ્ધ છેડીને અમેરિકા નવા યુગમાં પ્રવેશી રહ્યું છે તેનો સંકેત આપી દીધો છે.
ભારત માટે હાલ પૂરતી સારી વાત એ છે કે, ભારતના માલ-સામાન પર કોઈ ટેક્સ નથી લદાયો પણ ટ્રમ્પ પોતાના ચૂંટણી પ્રચારમાં ભારતના માલસામાન પર પણ આકરો ટેક્સ લાદવાનું કહી જ ચૂક્યા છે. ટ્રમ્પનાં ભૂતકાળનાં નિવેદનોને જોતાં બકરે કી અમ્મા કબ તક ખૈર મનાયેગી એવી હાલત છે.
ભારત અને અમેરિકાના વ્યાપારમાં પણ અમેરિકા નુકસાનમાં તો છે જ કેમ કે ભારતની અમેરિકાથી આયાત કરતાં અમેરિકામાં નિકાસ વધારે છે. 2023-24ના આંકડા પ્રમાણે, અમેરિકાની ચીન સાથેની વેપાર ખાધ 87 અબજ ડોલર છે. મતલબ કે, ચીન અમેરિકામાંથી જે માલ મગાવે તેના કરતાં 87 અબજ ડોલરનો વધારે માલ અમેરિકામાં ઠાલવે છે. ભારત સાથેની અમેરિકાની વ્યાપાર ખાધ 36 અબજ ડોલરની આસપાસ છે. મતલબ કે, ભારત અમેરિકામાંથી જે માલ મગાવે તેના કરતાં 36 અબજ ડોલરનો વધારે માલ અમેરિકામાં ઠાલવે છે. અમેરિકાને એ કઠે તો છે જ પણ ભારત થોડુંક ટેક્ટફુલી વર્તીને અમેરિકાને સાચવી શકે ને પોતાના માલ-સામાન પર વધારાનો ટેક્સ લદાવાથી બચી શકે છે.