ટ્રમ્પે ભારતને ફરી આપ્યો મોટો ઝટકો! 2 એપ્રિલથી લાગુ કરાશે રેસિપ્રોકલ ટેરિફ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ પરત ફર્યા બાદ પ્રથમ વખત કોંગ્રેસને સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત,ચીન, યુરોપિયન યૂનિયન સહિત અન્ય દેશો વિરૂદ્ધ મોટું પગલુ ભરવાની વાત કરી છે. તેમણે ભારત માટે પણ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જે કોઈ દેશ તેમના પર ગમે તેટલો ટેરિફ લગાવે સામે અમેરિકા પણ તે દેશ પર તેટલો જ ટેરિફ લગાવશે. આ વાત તેમણે ચીન, ભારત અને કેનેડા સહિતના દેશ માટે કરી હતી. આ ટેરિફ આગામી 2 એપ્રિલથી લાગુ કરવામાં આવશે.
અમેરિકન કોંગ્રેસને સંબોધતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "અન્ય દેશોએ દાયકાઓથી અમારી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે. હવે અમારો વારો છે કે અમે તે દેશો સામે ટેરિફનો ઉપયોગ શરૂ કરીએ. યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અન્ય દેશો અમારી પાસેથી ઘણા ઊંચા ટેરિફ વસૂલ કરે છે. તે અમે વસૂલીએ છીએ તેના કરતા ઘણા વધારે છે. તે ખૂબ જ અન્યાયી છે. ભારત અમારી પાસેથી 100% ટેરિફ વસૂલ કરે છે. આ સિસ્ટમ અમેરિકા માટે યોગ્ય નથી. 2 એપ્રિલથી, પારસ્પરિક (રેસિપ્રોકલ) ટેરિફ અમલમાં આવશે અને અન્ય દેશો અમારા પર ગમે તે ટેરિફ લાદે છે, અમે તેમના પર લાદીશું.જો તેઓ અમને તેમના બજારોથી દૂર રાખવા માટે બિન-નાણાકીય ટેરિફ લાદે છે, તો અમે તેમને અમારા બજારોથી દૂર રાખવા માટે બિન-નાણાકીય અવરોધો લાદીશું."
ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે ટૂંક સમયમાં જવાબી ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ અને મહાન બનાવવા માટે છે. ટ્રમ્પે કહ્યું કે આ ટૂંક સમયમાં થશે. આનાથી થોડી ખલેલ થશે પણ અમને કોઈ સમસ્યા નથી. તે વધારે પડતું નહીં હોય.
વધુમાં ટ્રમ્પે કહ્યું કે " સત્તામાં આવ્યા પછી મેં ઘણા ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. મેં 6 અઠવાડિયામાં 400 થી વધુ નિર્ણયો લીધા. તેમણે કહ્યું કે અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. આ સમય મોટા સપના જોવાનો છે."
યુક્રેન યુદ્ધ અને પનામા નહેર તથા ગ્રીનલેન્ડ પર કબજા વિશે શું બોલ્યા ટ્રમ્પ..?
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સંબોધનમાં કહ્યું કે અમે યુક્રેન-રશિયા યુદ્ધને ખતમ કરવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. આ યુદ્ધમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા એટલા માટે તેનો અંત લાવવાની જરૂર છે. અમારી સરકાર પનામા નહેર પર કબજો કરી લેશે. આ સાથે અમે ગ્રીનલેન્ડના લોકોના અધિકારોનું સન્માન કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ગ્રીનલેન્ડ અમેરિકાનો હિસ્સો બને. અમે ગ્રીનલેન્ડને સમૃદ્ધ બનાવીશું. જો તમે અમેરિકાનો હિસ્સો નહીં બનો તો અમે કોઈને કોઈ રીતે આવું કરી જ લઈશું. અમે વિશ્વાસ અપાવીએ છીએ કે અમે તમને સુરક્ષિત રાખીશું.
સ્થાનિક અને વિદેશી નીતિમાં ફેરફાર
રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લીધેલા પગલાઓ વિશે વાત કરી, જેમાં અર્થતંત્રમાં સુધારો, આરોગ્ય પ્રણાલીમાં પરિવર્તન અને આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમના દ્વારા કરવામાં આવેલા સુધારાઓ માત્ર અમેરિકન નાગરિકોના જીવનધોરણમાં જ વધારો કરશે નહીં, પરંતુ અમેરિકાની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકાને પણ મજબૂત કરશે.
કોંગ્રેસને સંદેશ
ટ્રમ્પે કોંગ્રેસને તેમની નીતિઓને સમર્થન આપવા અને અમેરિકાને મજબૂત અને સમૃદ્ધ દેશ બનાવવામાં મદદ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું, "આ સમય છે કે આપણે સાથે આવીએ અને દેશના હિતમાં કામ કરીએ અને આવનારી પેઢીઓ માટે સારા ભવિષ્યની ખાતરી કરીએ."