ટ્રમ્પની મુશ્કેલી વધી, છેતરપિંડીના કેસમાં 355 મિલિયન ડોલરનો દંડ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ટ્રમ્પ સંગઠન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા સિવિલ ફ્રોડ કેસમાં 355 મિલિયન યુએસ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડ ન્યૂયોર્કની કોર્ટ દ્વારા લગાવવામાં આવ્યો છે. ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્ક રાજ્યમાં કંપની ડિરેક્ટર તરીકે સેવા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તેમના પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પને પણ 4-4 મિલિયન યુએસ ડોલરનો દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. તેમને 2 વર્ષ માટે અધિકારી અથવા ડિરેક્ટર તરીકે કામ કરવાથી રોકી દેવામાં આવ્યા છે.ન્યાયાધીશ આર્થર એન્ગોરોને ડોનાલ્ટ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનને 354 મિલિયનથી વધુ નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સ જેમની ઓફિસ આ કેસ લાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ચુકાદો પૂર્વ-ચુકાદાના વ્યાજ સાથે 450 મિલિયનથી વધુનો છે, જે રકમ ચુકાદો ચૂકવવામાં ન આવે ત્યાં સુધી દરરોજ વધતી રહેશે. કોર્ટે છેતરપિંડીના કેસમાં ટ્રમ્પ વિરુદ્ધ 90 પાનાનો ચુકાદો આપ્યો છે. જાન્યુઆરીમાં સમાપ્ત થયેલી ટ્રાયલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે પુત્રો તેમની સંપત્તિમાં મોટા પાયે વધારો કરવા માટે જવાબદાર હોવાનું જણાયું હતું. જોકે, ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસને મારી સાથે છેતરપિંડી અને રાજકીય રમત થતી હોવાનું ગણાવ્યું છે. એક મહિના સુધી ચાલેલી સુનાવણી બાદ જજ આર્થર એન્ગોરોનનો નિર્ણય આવ્યો છે.