પાક. સાથે ક્રિપ્ટો કરન્સીમાં ટ્રમ્પ પરિવારની ભાગીદારી, પહેલગામ હુમલા બાદ સોદો
પાકિસ્તાને તાજેતરમાં એક ક્રિપ્ટોકરન્સી કંપની, વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલ (WLF) સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપનીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારનો 60% હિસ્સો છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આ સોદાએ પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે ઘણા પ્રશ્નો ઉભા કર્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ટ્રમ્પે પોતાના પરિવારના ફાયદાઓને ધ્યાનમાં રાખીને ભારત અને પાકિસ્તાન વચ્ચે કથિત મધ્યસ્થી કરી હતી?
તમને જણાવી દઈએ કે આ સોદો પાકિસ્તાન દ્વારા ઉતાવળમાં રચાયેલી પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ અને WLF વચ્ચે થયો હતો. કાઉન્સિલે તાજેતરમાં જ Binanceના સ્થાપક અને વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જના CEO ચાંગપેંગ ઝાઓને તેમના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. કાઉન્સિલનો ઉદ્દેશ્ય પાકિસ્તાનને દક્ષિણ એશિયાની ક્રિપ્ટો રાજધાની બનાવવાનો છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ક્રિપ્ટો કાઉન્સિલને માંડ એક મહિનાનો સમય થયો હતો, છતાં સોદા માટે WLF પ્રતિનિધિમંડળમાં અનેક અગ્રણી વ્યક્તિઓનો સમાવેશ થતો હતો. તેમાંના મુખ્ય હતા ઝાચેરી વિટકોફ, ટ્રમ્પના ગોલ્ફ મિત્ર સ્ટીવ વિટકોફના પુત્ર. ઝાકીરની ઇસ્લામાબાદ મુલાકાત દરમિયાન, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ જનરલ અસીમ મુનીર દ્વારા તેમને વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, આ બેઠકના થોડા દિવસો પછી, પહેલગામમાં પ્રવાસીઓ પર હુમલાની એક દુ:ખદ ઘટના બની - જ્યાં તેમને ધર્મના આધારે અલગ કરવામાં આવ્યા અને તેમની હત્યા કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના આર્મી ચીફે આ હુમલા માટે મંજુરી આપી દીધી હતી.
22 એપ્રિલના રોજ પહેલગામ હુમલા બાદ, પાકિસ્તાન ક્રિપ્ટો કાઉન્સિલ અને વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્શિયલે 26 એપ્રિલના રોજ ઇસ્લામાબાદમાં એક પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા જેનો હેતુ પાકિસ્તાનમાં બ્લોકચેન ટેકનોલોજી, સ્ટેબલકોઇન અપનાવવા અને વિકેન્દ્રિત ફાઇનાન્સ (DeFi) ને પ્રોત્સાહન આપવાનો હતો. પાકિસ્તાનના નાણા મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં આ કરારને ડિજિટલ ફાઇનાન્સ ક્રાંતિમાં પાકિસ્તાનને વૈશ્વિક નેતા બનાવવાની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું હતું.
ટ્રમ્પના પુત્રો એરિક અને ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, તેમજ તેમના જમાઈ જેરેડ કુશનર પણ WLFમાં શેર ધરાવે છે. તે બધા તાજેતરના વર્ષોમાં વિશ્વભરમાં આકર્ષક સોદા શોધી રહ્યા છે અને વ્હાઇટ હાઉસના પ્રભાવનો ઉપયોગ કરવાના આરોપોનો સામનો કરવો પડ્યો છે.