25થી વધારી 50 ટકા: સ્ટીલની આયાત ટેરિફ બમણી કરતાં ટ્રમ્પ
અમેરિકાના સ્ટીલ ઉદ્યોગને બચાવવાના પગલાંનો 4 જૂનથી અમલ: ચીનને ટોણો, તમારો હલકો માલ નહીં ચાલે
અમેરિકામાં સત્તામાં આવ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ સાથે વિશ્વમાં હંગામો મચાવ્યો છે. હવે તેમણે બીજી એક મોટી જાહેરાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલની આયાત પર ટેરિફ બમણું કરી દીધું છે. હવે આ ટેરિફ 25 ટકાથી વધારીને 50 ટકા કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે તેમણે અમેરિકાની સ્ટીલ કંપનીને બચાવવા માટે આ પગલું ભર્યું છે. તેમનો નિર્ણય 4 જૂનથી લાગુ થવા જઈ રહ્યો છે. તે સ્પષ્ટ છે કે આનાથી કાર જેવા સ્ટીલ ઉત્પાદનોના દરમાં વધારો થઈ શકે છે.
પોતાના ભાષણમાં, ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને આડે હાથ લીધું અને કહ્યું કે અમેરિકાનું ભવિષ્ય શાંઘાઈના હલકી ગુણવત્તાવાળા સ્ટીલથી નહીં પરંતુ પિટ્સબર્ગની તાકાત અને શક્તિથી બનાવવામાં આવશે. તેમણે કહ્યું, મને ડર હતો કે મોન વેલીમાં સ્ટીલ સંબંધિત 3 હજાર નોકરીઓ ખોવાઈ જશે. પરંતુ મેં વચન આપ્યું હતું કે આવું નહીં થાય અને મેં મારું વચન પૂરું કર્યું છે.
ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના સ્ટીલ ઉદ્યોગને સુરક્ષિત રાખવા માટે ટેરિફ બમણું કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે જાપાનની નિપ્પોન સ્ટીલ પણ યુએસ સ્ટીલમાં રોકાણ કરશે. તેમણે કહ્યું કે યુએસ સ્ટીલ એક અમેરિકન કંપની રહેશે. આ ઉપરાંત, એક સોદા હેઠળ, જાપાનની નિપ્પોન સ્ટીલ તેમાં રોકાણ કરશે. તેમણે કહ્યું, અમારી પાસે ખૂબ જ સારો સોદો છે જેના કારણે અમેરિકાની સ્ટીલ કંપની અમેરિકાની રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટીલ કંપનીના પિટ્સબર્ગ પ્લાન્ટમાં એક કાર્યક્રમ પર પહોંચ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જાપાની કંપની યુએસ સ્ટીલ ખરીદી શકશે નહીં. ગયા અઠવાડિયે, નિપ્પોન સ્ટીલે યુએસ સ્ટીલમાં આંશિક માલિકીની જાહેરાત કરી હતી. જોકે, કંપનીએ હવે શું સોદો કર્યો છે તેની પુષ્ટિ થઈ નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેમણે સ્ટીલ પર ફક્ત 40 ટકા ટેરિફ લાદવાનું વિચાર્યું હતું પરંતુ ઉદ્યોગના નેતાઓની સલાહ પર તેને વધારીને 50 ટકા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 25 ટકાની જાળ પાર કરવી સરળ હતી પરંતુ હવે કોઈ 50 ટકાની જાળ પાર કરી શકશે નહીં.
અગાઉ 12 માર્ચે ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો. આ પછી કેનેડા અને અમેરિકાની ઓટોમોબાઈલ કંપનીઓએ તેનો વિરોધ કર્યો. યુરોપિયન યુનિયને બદલો લેવા માટે ટેરિફ લાદ્યો જે પાછળથી પાછો ખેંચી લેવામાં આવ્યો.
વેપાર દ્વારા ભારત-પાક. યુધ્ધ અટકાવ્યું: ટ્રમ્પે જૂની રેકર્ડ વગાડી
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ફરી એકવાર ભારત અને પાકિસ્તાનને લડતા અટકાવવાનો શ્રેય લીધો, વારંવાર દાવો કર્યો કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને દુર કરવામાંથ મદદ કરી. ટ્રમ્પે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) છોડી રહેલા એલોન મસ્ક સાથે ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ દાવો કર્યો. અમે ભારત અને પાકિસ્તાનને યુદ્ધ કરતા અટકાવ્યા. મારું માનવું છે કે તે પરમાણુ દુર્ઘટનામાં ફેરવાઈ શક્યું હોત. હું ભારત અને પાકિસ્તાનના નેતાઓનો આભાર માનવા માંગુ છું. હું મારા લોકોનો પણ આભાર માનવા માંગુ છું. અમે વેપારની વાત કરી. આપણે એવા લોકો સાથે વેપાર કરી શકતા નથી જે એકબીજા પર ગોળીબાર કરી રહ્યા છે અને પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. તે દેશોમાં મહાન નેતાઓ છે અને તેઓ સમજ્યા અને તેઓ સંમત થયા... અને યુદ્ધ બંધ થઈ ગયું. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે રશિયા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા બીજાઓને લડતા અટકાવી રહ્યું છે.