મુનિર સાથેની મુલાકાતથી પોતે ‘સન્માનિત’ થયાનું જણાવી ટ્રમ્પે અમેરિકાને નીચું દેખાડયું
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનિરને વ્હાઈટ હાઉસમાં બોલાવીને જમાડયા અને બંને વચ્ચે બંધ દરવાજા પાછળ મુલાકાત થઈ એ ઘટનાએ વૈશ્વિક સ્તરે ખાસ્સી ચર્ચા જગાવી છે. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો વણસેલા છે ત્યારે અચાનક જ પાકિસ્તાનને અમેરિકા થાબડભાણાં કરવા માંડ્યું તેનું કારણ શું છે એ મુદ્દો ચર્ચામાં છે. આ પહેલાં 2001માં જનરલ પરવેઝ મુશર્રફ અમેરિકન રાષ્ટ્રપતિને મળેલા છેલ્લા પાકિસ્તાની લશ્કરી વડા હતા. મુશર્રફ એ વખતે પાકિસ્તાનના પ્રમુખ પણ હતા જ્યારે મુનિર પાકિસ્તાનના પ્રમુખ નથી છતાં ટ્રમ્પે તેમને નોંતર્યા એ મોટી વાત છે. એટલુ જ નહીં, બહુત નમે નાદાન ઉક્તિ મુજબ પોતે મુનિરને મળી સન્માનિત થયાનું પણ જણાવ્યું, આવુ નિવેદન વિશ્ર્વની મહાસતાના વડા તરીકે દેશને નીચું દેખાડનારૂં છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.
પાકિસ્તાન ઈરાનને પડખે ઊભું રહેશે અને ઈઝરાયલ સામેના યુદ્ધમાં સામેલ થશે એવી જોરદાર અટકળો ચાલી રહી છે ત્યારે જ આ બેઠક થઈ છે. તેના કારણે બંને વચ્ચેની મુલાકાતને ઈઝરાયલ-ઈરાન સાથે જોડવામાં આવી રહી છે. એક શક્યતા એવી વ્યક્ત થઈ રહી છે કે, અમેરિકા પોતાને નહીં ગાંઠતા ઈરાનને ઠેકાણે પાડી દેવા માટે પાકિસ્તાનને ફરી પોતાના પડખામાં લઈ રહ્યું છે. ઈરાન અને પાકિસ્તાન પાડોશીઓ છે તેથી અમેરિકા પાકિસ્તાનમાં પગદંડો જમાવીને ઈરાનને પતાવી દેવા માગે છે.
બીજી વાત એવી પણ છે કે, ઈરાનના પરમાણુ રીએક્ટર્સનો ખાતમો કરીને પરમાણુ કાર્યક્રમને રોક્યા પછી કાયમ માટે ઈરાનના પરમાણુ કાર્યક્રમને તાળાં વાગી જાય એટલા માટે અમેરિકા ઈરાનની પરમાણુ બોમ્બ માટેની સામગ્રી પાકિસ્તાનમાં ખસેડવા માગે છે. ઈરાનના પાડોશી એવા અફઘાનિસ્તાન સહિતના બીજા દેશો સાથે પણ અમેરિકાને સારા સંબંધો છે પણ અમેરિકા તેમના પર ભરોસો કરી શકે તેમ નથી. પાકિસ્તાન પોતે પહેલા જ પરમાણુ રાષ્ટ્ર છે તેથી તેને ત્યાં પરમાણુ સામગ્રી મૂકીને અમેરિકાએ કશું ગુમાવવાનું નથી. ત્રીજી એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે, પાકિસ્તાન ચીનના ખોળામાં જઈને બેઠું છે અને પાકિસ્તાનમાં થઈને ચીન પોતાનો વન રોડ વન બેલ્ટ પ્રોજેક્ટ પાર પાડી રહ્યું છે. અમેરિકા પાકિસ્તાન અને ચીન વચ્ચે ફાચર મારવા માગે છે કે જેથી ચીનનો આ પ્રોજેક્ટ લટકી જાય. ટ્રમ્પે મુનિરને લંચ માટે નોતર્યાં તેની પાછળનું સાચું કારણ શું એ આપણને ખબર નથી પણ પાકિસ્તાન અને અમેરિકા પાછાં નજીક આવે એ ભારત માટે કોઈ રીતે સારું નથી એ હકીકત છે.