યુરોપિયન યુનિયન- અમેરિકા વચ્ચે વેપાર કરાર: 15 ટકા ટેરિફ લદાશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચે એક મોટા અને ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. ટ્રમ્પે આ કરારને અત્યાર સુધીનો સૌથી મોટો વેપાર કરાર ગણાવ્યો છે, જે બંને પક્ષો માટે ફાયદાકારક સાબિત થશે.
આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું હતું કે આ કરાર હેઠળ બધા દેશોના બજારો ખોલવામાં આવશે અને યુરોપિયન યુનિયન પર તમામ ક્ષેત્રોમાં 15 ટકા ટેરિફ લાદવામાં આવશે. આ સાથે EU અમેરિકા પાસેથી લશ્કરી સાધનોની ખરીદીમાં પણ વધારો કરશે. ઉર્જા ક્ષેત્રમાં પણ યુરોપિયન યુનિયન અમેરિકા પાસેથી લગભગ 150 બિલિયન ડોલરની ઊર્જા ખરીદશે, જે બંને પક્ષોના આર્થિક સહયોગને મજબૂત બનાવશે.
આ ઉપરાંત યુરોપિયન યુનિયન અમેરિકામાં 600 બિલિયન ડોલરનું રોકાણ કરશે, જે અમેરિકાના અર્થતંત્રને પણ મજબૂત બનાવશે. આ સોદા હેઠળ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર પહેલાથી લાગુ હાલની ડ્યુટી સિસ્ટમ ચાલુ રહેશે.
ચિપ્સ અથવા સેમિક્ધડક્ટર ક્ષેત્ર અંગે આગામી બે અઠવાડિયામાં કલમ 232 હેઠળ નવી જાહેરાત કરવામાં આવશે, જે આ ઉદ્યોગ માટે એક મોટી પહેલ હશે. યુરોપિયન યુનિયનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને આ કરારને સ્થિરતા આપનાર ગણાવ્યો છે.