ભારતને નિરાશા, વેઇટ લિફ્ટિંગમાં મીરાબાઇ ચાનુ ચોથા સ્થાને રહી
ટોકયો ઓલિમ્પિક-2020માં સિલ્વર મેડલ જીત્યો હતો
પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને વધુ એક નિરાશાનો સામનો કરવો પડ્યો છે. ટોક્યો ઓલિમ્પિકમાં દેશ માટે પહેલો મેડલ જીતનારી સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ આ વખતે ચૂકી ગઈ. 7મી ઓગસ્ટના બુધવારે રાત્રે યોજાયેલી 49 કિગ્રાની સ્પર્ધામાં મીરાબાઈ ચાનુ કુલ 199 કિગ્રા વજન ઉપાડી શકી અને ચોથા સ્થાને રહીને મેડલની રેસમાંથી બહાર થઈ ગઈ. મીરાબાઈ ચાનુ ચોથા સ્થાને છે. તે એક કિલોના માર્જિનથી ત્રીજું સ્થાન ચૂકી ગઈ. થાઈલેન્ડની લિફ્ટર ત્રીજા ક્રમે રહી, જેણે કુલ 200 કિલો વજન ઉપાડ્યું. ચીનની જિહુઈ હોઉએ ફરી એકવાર ગોલ્ડ મેડલ જીત્યો. તેણે કુલ 206 કિલો વજન ઉપાડ્યું અને પોતાના ટાઈટલનો બચાવ કર્યો. જ્યારે રોમાનિયાને સિલ્વર મેડલ મળ્યો હતો.
29 વર્ષની મીરાબાઈ ચાનુ તેના ત્રીજા ઓલિમ્પિકમાં ભાગ લઈ રહી છે. આ પહેલા તેણે 2016ના રિયો ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યું હતું, જ્યાં તેને સફળતા મળી ન હતી. ત્યારબાદ ટોક્યો ઓલિમ્પિક 2020માં મીરાએ 202 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો હતો. તે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી ભારતની માત્ર બીજી મહિલા એથ્લેટ પણ બની હતી. ટોક્યોમાં તેણે સ્નેચમાં 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન ઉપાડ્યું હતું. આ સિવાય મીરાબાઈએ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો.