રશિયા સાથે યુધ્ધનો અંત લાવવા પીએમ મોદી શાંતિદૂતના રોલમાં, 23મીએ જશે યુક્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 ઓગસ્ટે શાંતિના દુત તરીકે યુક્રેનની મુલાકાતે જવાના છે. સરકારી સૂત્રોએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે વડાપ્રધાનની મુલાકાતનો હેતુ બે વર્ષથી ચાલી રહેલા સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલની ખાતરી આપવાનો હતો. અગાઉ જુલાઈમાં મોસ્કોમાં ભારત-રશિયા વાર્ષિક સમિટ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે યુક્રેન સંકટનો સૈન્ય ઉકેલ શક્ય નથી. બોમ્બ, બંદૂક અને ગોળીઓ વચ્ચે શાંતિ મંત્રણા સફળ થઈ શકતી નથી. હવે પીએમ મોદી આ મહિનાના અંતમાં યુક્રેનમાં પણ શાંતિનો આ સંદેશ લઈ જશે.
રશિયાના હુમલા બાદ વિશ્વના ઘણા નેતાઓએ કિવની મુલાકાત લીધી છે. જો કે હજુ સુધી યુદ્ધનો ઉકેલ મળ્યો નથી. પીએમ મોદી બંને દેશો વચ્ચેની લડાઈને સમાપ્ત કરવા માટે તેમના રાજદ્વારી પ્રભાવનો ઉપયોગ કરે તેવી અપેક્ષા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત વડાપ્રધાન મોદીની રશિયાની મુલાકાતનું પરિણામ છે. ભારત યુક્રેન, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપમાં આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. રશિયા સાથે ગાઢ સંબંધો હોવા છતાં, ભારતે એ વાત જાળવી રાખી છે કે આ સંઘર્ષનો ઉકેલ વાતચીત અને રાજદ્વારી દ્વારા થવો જોઈએ.
જૂનમાં જી 7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ સંઘર્ષનો ઉકેલ શોધવા માટે શાંતિપૂર્ણ ઉકેલ અને માનવ-કેન્દ્રિત અભિગમને સમર્થન આપવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ચાર દાયકાથી વધુ સમયમાં કોઈ ભારતીય વડાપ્રધાનની યુક્રેનની પ્રથમ મુલાકાત હશે.