ભારતીય સરહદે જય શ્રીરામના નારા સાથે હજારો બાંગ્લાદેશીઓનો જમાવડો
બાંગ્લાદેશમાં બળવા અને કટ્ટરપંથીઓના અત્યાચાર બાદ હજારો હિન્દુઓ ભારત આવવાની યોજના બનાવી રહ્યા છે. જો કે, સરહદની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, બીએસએફ જવાનોએ તેમને શાંત કરીને પાછા મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી પણ હજારો હિંદુઓ નાળામાં ઉભા રહીને વિનંતી કરી રહયા છે.
ખાસ કરીને હિંદુઓ તેમના ઘર છોડીને ભારતમાં આશ્રય માટે વિનંતી કરી રહ્યા છે. હજારો હિન્દુઓ નદીઓ, નાળાઓ અને ઝાડીઓ ઓળંગીને ભારતમાં આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બંગાળના કૂચ બિહારના સીતાલકુચીમાં લગભગ 1000 બાંગ્લાદેશીઓ નાળામાં ઊભા રહીને બીએસએફને વિનંતી કરવા મજબૂર છે. તે જ સમયે, બીએસએફ દેશની સુરક્ષાના પડકારનો પણ સામનો કરે છે. બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે અત્યાર સુધી ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા લોકોનું આ સૌથી મોટું જૂથ છે.કૂચ બિહારના કાશિયાર બરુની વિસ્તારના પથાનતુલી ગામ પાસે બાંગ્લાદેશ બોર્ડર પર ઊંચા વાયર લગાવવામાં આવ્યા છે. વચ્ચે એક મોટું નાળું પણ છે. બાંગ્લાદેશમાંથી ભાગીને આવેલા હજારો લોકો આ નાળામાં ઉભા રહીને આજીજી કરવા મજબૂર છે. આમાંથી ઘણા લોકો જય શ્રી રામના નારા પણ લગાવી રહ્યા હતા.
બીએસએફ જવાનોએ તેમને સીમાથી 150 યાર્ડ દૂર ઝીરો પોઈન્ટ પર રોક્યા. બીએસએફના જવાનોએ તેમને તેમના ઘરે પાછા ફરવાની અપીલ કરી હતી પરંતુ કોઈ તૈયાર ન થયું. આ લોકો બાંગ્લાદેશના રંગપુર જિલ્લાના દોઈ ખાવા અને ગેન્દુગુરી ગામના છે.બીએસએફના અધિકારીઓનું કહેવું છે કે તેઓએ બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશને તેમના લોકોને પરત લેવા વિનંતી કરી હતી. બીએસએફના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ સીમા સુરક્ષા અને માનવતાવાદી સહાય વચ્ચે મોટા પડકારનો સામનો કરી રહ્યા છે.