હજારો બાંગ્લાદેશી હિંદુઓનો ભારતમાં ઘૂસવાનો પ્રયાસ
પશ્ર્ચિમ બંગાળની જલપાઇગુડી સરહદે તનાવ, BSFદ્વારા અટકાવાયા
બાંગ્લાદેશ અને ભારત સરહદ પર સ્થિતિ તણાવપૂર્ણ છે. શેખ હસીનાના દેશ છોડ્યા બાદ હિન્દુ બાંગ્લાદેશીઓ પર અત્યાચારનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં 1 હજારથી વધુ બાંગ્લાદેશી હિન્દુઓ ભારત-બાંગ્લાદેશ સરહદ પર પહોંચી ગયા છે. તેઓ સરહદ પાર કરીને ભારત આવવા માંગે છે.BSFએ ભારતમાં ઘૂસણખોરીના તેમના પ્રયાસોને અટકાવ્યા છે.BSFએ તેમને સતકુરા બોર્ડર પર રોક્યા છે. આ ઘટના જલપાઈગુડી જિલ્લાના દક્ષિણ બેરુબારી પંચાયતમાં બની હતી.
બુધવારે બપોરે એક હજારથી વધુ બાંગ્લાદેશી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મોટાભાગના બાંગ્લાદેશના હિંદુઓ છે. માહિતી મળતાં જBSF ત્યાં પહોંચી અને ઘૂસણખોરી કરતા તેમને અટકાવ્યા હતા. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ભેગા થયેલા બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશવા આતુર છે. સરહદ પર ઉભેલા હિન્દુ બાંગ્લાદેશીઓનો આરોપ છે કે તેમના ઘરો અને મંદિરોને બાળવામાં આવી રહ્યા છે.
તેઓ ભારતમાં શરણ લેવા માંગે છે. બીજી તરફ ભારતીય લોકોને આ ભીડ પર શંકા છે. તેમનું કહેવું છે કે જો બાંગ્લાદેશીઓ ભારતમાં પ્રવેશ કરશે તો તેમને ખોરાકની અછતનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં તેઓ નથી ઈચ્છતા કે બાંગ્લાદેશીઓ ભારત આવે. ભારતીય સરહદમાં પણ ભારતીયોની ભીડ સરહદ પર એકઠી થઈ ગઈ છે. જોકે,BSFએ બાંગ્લાદેશી હિન્દુઓને મનાવવાનો પ્રયાસ કર્યો હતો.
બાંગ્લાદેશમાં રાજકીય ભૂકંપની અસર માત્ર સંસદ પર જ નથી પડી, આ આગ સામાન્ય ઘરોને પણ સળગાવી રહી છે. હિન્દુ લઘુમતી સોફ્ટ ટાર્ગેટ છે. ઘરો અને દુકાનો સળગાવવામાં આવી રહી છે. મંદિરો તોડવામાં આવી રહ્યા છે. જ્યાં હિંદુઓની વસ્તી છે તે વસાહતો પર ટોળાં હુમલો કરી રહ્યાં છે. અહેવાલો અનુસાર, આવા 27 જિલ્લા છે જ્યાં લઘુમતીઓ આ બધાનો સામનો કરી રહ્યા છે. પરંતુ મહિલાઓની હાલત સૌથી ખરાબ છે.
આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વાએ વ્યક્ત કરી ચિંતા
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે બાંગ્લાદેશની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે, તેમણે કહ્યું છે કે, જો બાંગ્લાદેશમાં આવી અશાંતિ ચાલુ રહેશે, તો કેટલાક લોકો ભારત આવવા માટે મજબૂર થશે, તેથી આપણે સુરક્ષિત કરવાની જરૂૂર છે. તેમણે કહ્યું છે કે શેખ હસીનાની સરકાર દરમિયાન બાંગ્લાદેશમાંથી ઉત્તર-પૂર્વના તમામ આતંકવાદી જૂથોને ખતમ કરી દેવામાં આવ્યા હતા, પરંતુ હવે આપણા માટે ચિંતાનો વિષય હશે કે બાંગ્લાદેશ ફરી એકવાર આવા આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રય બની શકે છે.