વિદેશમાં MBBS કરનારે પાસ કરવી પડશે NEET-UG
મેડિકલ કાઉન્સીલના નિયમને બહાલી આપતાં સુપ્રીમે કહ્યું, આ વાજબી અને પારદર્શક પગલું છે
વિદેશમાં જઇને MBBSકરવા માંગતા વિદ્યાર્થીઓ માટે NEET-UG પાસ કરવું ફરજિયાત રહેશે. સુપ્રીમ કોર્ટે આ નિયમને સમર્થન આપ્યું છે. તાજેતરના એક કેસમાં વિદેશમાં તબીબી અભ્યાસ માટે NEET-UG ની ફરજિયાત આવશ્યકતાને પડકારવામાં આવી હતી, પરંતુ કોર્ટે તેને સમર્થન આપ્યું હતું.
નોંધનીય છે કે ભારતીય કોલેજોની જેમ ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં જઇને મેડિકલનો અભ્યાસ કરવા માંગે છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે. 2018માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ આ અંગે એક નિયમ બનાવ્યો, જે હેઠળ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો માટે NEET પાસ કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. આ નિયમનો ઉદ્દેશ્ય ભારતમાં મેડિકલ પ્રેક્ટિસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે જરૂૂરી તબીબી ધોરણોને પૂર્ણ કરવાનો છે.
અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સ માટે નીટ-યુજીની ફરજિયાત આવશ્યકતા બંને પ્રકારના વિદ્યાર્થીઓ માટે છે. ભલે તે દેશમાં રહીને અભ્યાસ કરે કે વિદેશ જાય. આ નિયમને પડકારતા વિદેશમાં જઇને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ માટે છૂટની માંગ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમો માટે NEET UG ફરજિયાત બનાવવું એ એક વાજબી અને પારદર્શક પગલું છે જે કોઈપણ કાનૂની જોગવાઈનું ઉલ્લંઘન કરતું નથી. કોર્ટે કહ્યું કે આ નિયમ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન રેગ્યુલેશન્સ, 1997 સાથે સુસંગત છે અને તબીબી શિક્ષણના ધોરણોમાં એકરૂૂપતા સુનિશ્ચિત કરે છે.
વિદેશમાં અભ્યાસ કરતા રોકવા માટે કોઈ નિયમ નથી
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ નિયમ કોઈપણ રીતે વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરતા અટકાવતો નથી. અમને નિયમનમાં દખલ કરવાનો કોઈ આધાર દેખાતો નથી. કોર્ટે કહ્યું કે, નિયમ લાગુ થયા પછી જો કોઈ ઉમેદવાર વિદેશમાં જઇને તબીબી અભ્યાસ માટે પ્રવેશ લેવા માંગે છે, તો તે છૂટની માંગ કરી શકે નહીં.