જર્મનીના રોસ્ટોક બીચ ઉપર વધુ કપડાં પહેરનારાઓને પ્રવેશ નહીં
દુનિયાના વિવિધ દેશોમાં આવેલા સુંદર દરિયા કિનારાઓ માટે વિવિધ નિયમો બનાવવામાં આવ્યા છે. કેટલાક સમુદ્ર કિનારાઓ ઉપર લોકોને ન્યૂડ ફરવા દેવા ઉપર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. તો બીજી તરફ દુનિયાના એવા ઘણા બિચ છે જેના ઉપર લોકોને વધારે કપડાં પહેરવા દેવામાં આવતા નથી. જર્મનીમાં એવો દરિયા કિનારો છે જ્યાં લોકોએ જરૂૂર કરતા વધારે કપડાં પહેર્યા હોય તો તેમને બીચ ઉપર પ્રવેશ આપવામાં આવતો નથી. જર્મનીના રોસ્ટોકમાં દરિયા કિનારા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ત્યાં દરિયા કિનારાના વોર્ડનને હવે કેટલાક નવા અધિકારો આપવામાં આવ્યા છે. નવા નિયમો જણાવે છે કે, રોસ્ટોક ખાતે પ્રકૃતિવાદીઓ માટે જે સમુદ્ર કિનારા નક્કી કરવામાં આવ્યા છે ત્યાં વધારે કપડાં પહેરીને ફરતા લોકોને વોર્ડન બહાર કાઢી શકાશે. જે લોકો સ્વીમ સ્યૂટ અને કવરઅપ પહેરીને ફરતા હશે તેમના ઉપર પ્રતિબંધ મૂકી શકશે.
અહેવાલો પ્રમાણે જર્મનીના સમુદ્ર કિનારાઓ ઉપર નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. પ્રકૃતિવાદીઓમાં સમુદ્ર કિનારા ખૂબ જ લોકપ્રિય છે અને તેમાંય તેઓ કુદરતી રીતે જ શરીરની સ્વીકૃતિ અને નગ્નતામાં વિશ્વાસ કરતા હોય છે. જર્મનીના બાલ્ટિક સાગર કિનારા ઉપર રોસ્ટોકમાં ન્યૂડિસ્ટ અને પ્રકૃતિવાદીઓ માટે વિશેષ બીચ બનાવવામાં આવ્યા છે. તેના કારણે જ આ લોકોને સ્પેસ આપવા અને તેમની માનસિકતાને હાનિ ન પહોંચે તે માટે વોર્ડનને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે. તેઓ આ બિચ ઉપર વધારે કપડાં પહેરેલા લોકોને પ્રવેશવા દેશે નહીં. રોસ્ટોકની ટૂરિઝમ ઓથોરિટીએ સ્થાનિક તંત્રને નવી નિયમાવલી સોંપી છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે, આ બિચ માત્ર ન્યૂડિસ્ટ લોકો માટે રિઝર્વ છે. અહીંયા કપડાં પહેરીને નહાવું કે તડકામાં બેસવાની મનાઈ છે.