કતાર પર હુમલા બાબતે મોસદ, રાજકીય નેતાગીરી વચ્ચે મતભેદો હતા
કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓને નિશાન બનાવતો ઇઝરાયલી હવાઈ હુમલો માત્ર તેના ધ્યેયને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયો નહીં, પરંતુ હવે આ મામલો ઇઝરાયલી ગુપ્તચર અને રાજકીય વર્તુળોમાં પણ ઊંડા વિવાદનું કારણ બની ગયો છે. હકીકતમાં, ઇઝરાયલી ગુપ્તચર એજન્સી મોસાદે પોતે અગાઉ તૈયાર કરેલા ગ્રાઉન્ડ ઓપરેશનને હાથ ધરવાનો ઇનકાર કર્યો હતો. મોસાદનું માનવું હતું કે આ કાર્યવાહી બંધક-યુદ્ધવિરામ વાટાઘાટોને બગાડી શકે છે અને કતાર સાથેના તેના સંબંધોને પણ નુકસાન પહોંચાડી શકે છે, જે હાલમાં હમાસ અને ઇઝરાયલ વચ્ચે મધ્યસ્થી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જ્યારે મોસાદે જમીની કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો, ત્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કતાર પર હવાઈ હુમલો કરવાની ફરજ પડી.
મંગળવારે દોહામાં ઇઝરાયલી હવાઈ હુમલા અંગે શરૂૂઆતમાં એવા દાવા કરવામાં આવ્યા હતા કે કોઈ મોટા હમાસ નેતા માર્યા ગયા છે. પરંતુ શુક્રવારે ચિત્ર સ્પષ્ટ થયું જ્યારે હમાસે જાહેરાત કરી કે તેના વરિષ્ઠ નેતા ખલીલ અલ-હયા જીવિત છે અને તેમણે તેમના પુત્ર હમ્મામના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.
આનાથી સ્પષ્ટ થયું કે હવાઈ હુમલામાં હમાસના કોઈ ટોચના નેતૃત્વને નુકસાન થયું નથી.