આતંકવાદ મુદ્દે બેવડાં વલણ ન ચાલે: મોદીની તડાફડી
આતંકવાદને સમર્થન આપતા દેશોને પુરસ્કાર આપવામાં આવે છે: પશ્ર્ચિમી દેશો, આંતરરાષ્ટ્રીય સંગઠનોને જોરદાર થપાટ
જી-7 સમિટના બીજા દિવસે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદ, વેપાર અને વિકાસ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિશ્વના અગ્રણી નેતાઓ સાથે વાતચીત કરી. કેનેડાના કનાનાસ્કિસમાં આયોજિત જી-7 આઉટરીચ સત્રને સંબોધતા, પીએમ મોદીએ આતંકવાદ સામે ભારતની કડક નીતિનો પુનરોચ્ચાર કર્યો અને આ વૈશ્વિક ખતરા સામે સંયુક્ત અને નિર્ણાયક પગલાં લેવાની માંગ કરી.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે, આપણી વિચારસરણી અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ - જો કોઈ દેશ આતંકવાદને ટેકો આપે છે, તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે. તેમણે એમ પણ કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની ક્રિયાઓમાં કોઈ બેવડા ધોરણો ન હોવા જોઈએ. પ્રધાનમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું, એક તરફ આપણે આપણી પસંદગી મુજબ ઝડપથી વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદીએ છીએ, જ્યારે બીજી તરફ આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપતા દેશોને પુરસ્કાર આપવામાં આવે છે. આ બેવડી નીતિ બંધ થવી જોઈએ. આ વાતચીતની માહિતી આપતાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, વડાપ્રધાનએ આતંકવાદ સામે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો અને પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ નેતાઓનો આભાર માન્યો. તેમણે આતંકવાદને પ્રોત્સાહન અને સમર્થન આપનારાઓ સામે કડક વૈશ્વિક કાર્યવાહીની જરૂૂરિયાત પર ભાર મૂક્યો. પીએમ મોદીએ જી-7 પ્લેટફોર્મ પરથી ગ્લોબલ સાઉથના મુદ્દાઓ પણ ઉઠાવ્યા. પ્રધાનમંત્રીએ જી-7 નેતાઓ સાથેની તેમની વાતચીતને નસ્ત્રઉત્પાદકસ્ત્રસ્ત્ર ગણાવી અને કહ્યું કે ચર્ચા વૈશ્વિક પડકારો અને સારા ભવિષ્યની આશાઓ પર કેન્દ્રિત હતી. પીએમ મોદીએ જી-7 પ્લેટફોર્મ પરથી ગ્લોબલ સાઉથના મુદ્દાઓ પણ ઉઠાવ્યા અને તેના પર ગંભીર ધ્યાન આપવા વિનંતી કરી.
સમિટ ઉપરાંત, પ્રધાનમંત્રી મોદીએ અનેક દ્વિપક્ષીય બેઠકો પણ યોજી. તેમણે કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, બ્રિટિશ પ્રધાનમંત્રી કીર સ્ટારમર, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ, ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીસ સાથે મુલાકાત કરી. આ બેઠકોમાં વેપાર સહયોગ, રોકાણ વધારવા અને વૈશ્વિક આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી.
કેનેડાના નિજજર મામલે સૂર બદલાયા: બન્ને દેશો રાજદ્વારી સેવા પુનસ્થાપિત કરવા સંમત
કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નેએ ગઇકાલે કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જર કેસ પર વધુ ટિપ્પણી કરતા પહેલા તેમણે સાવચેત રહેવું પડશે, કારણ કે તે ન્યાયિક પ્રક્રિયા સાથે સંબંધિત મામલો છે. આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેનેડામાં આયોજિત જી-7 સમિટ દરમિયાન કેનેડાની મુલાકાતે હતા અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. એક પત્રકારે તેમને પૂછ્યું - શું હરદીપ સિંહ નિજ્જર કેસ પીએમ મોદી સાથે ચર્ચામાં આવ્યો હતો? પીએમ કાર્નેએ કહ્યું, અમે ફક્ત વાતચીત જ નહીં પરંતુ કાયદા અમલીકરણ સ્તરે સીધા સહયોગના મહત્વ પર ચર્ચા કરી. આંતરરાષ્ટ્રીય દમનનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. કારણ કે આ મામલો હવે ન્યાયિક પ્રક્રિયામાં છે, તેથી મારે વધુ ટિપ્પણી કરતી વખતે સાવચેત રહેવું પડશે. બંને દેશો તેમના નવા હાઇકમિશનરોની નિમણુંક તથા દૂતાવાસો અને રાજદ્વારી સેવાઓ પુન:સ્થાપિત કરવા સંમત થયા છે.