ટ્રમ્પના ટેરિફ ફતવા સામે હવે લડી લેવા સિવાય આરો નથી: નક્કર પગલાંની જરૂર
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે લાદેલા કમરતોડ ટેરિફની કોઈ અસર ભારત પર નહીં થાય એવા સરકારી દાવા વચ્ચે પહેલી અસર વર્તાઈ છે અને ભારતે અમેરિકા સાથેની ટપાલ સેવા બંધ કરવી પડી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે 30 જુલાઈ, 2025ના રોજ એક ફતવો બહાર પાડીને અમેરિકામાં પોસ્ટલ સર્વિસ દ્વારા મોકલવામાં આવતા માલસામાન પરની કસ્ટમ ડયુટી નાબૂદ કરવાનું એલાન કરેલું. પહેલાં પોસ્ટલ સર્વિસ દ્વારા અમેરિકા મોકલાતા 800 ડોલર એટલે કે લગભગ 70 હજાર રૂૂપિયા સુધીના માલ પર કોઈ ટેરિફ નહોતો લાગતો પણ ટ્રમ્પના નવા ફતવા પ્રમાણે, 29 ઑગસ્ટથી ફક્ત 100 ડોલર એટલે કે લગભગ રૂૂપિયા 8700 સુધીના માલ-સામાનને જ ટેરિફમાંથી મુક્તિ મળશે જ્યારે બાકીના માલ-સામાન પર 50 ટકા ટેરિફ લાગુ પડશે.
ટ્રમ્પના ફતવાના કારણે 25 ઓગસ્ટ, 2025થી કાગળ અને દસ્તાવેજો સહિતની તમામ પ્રકારની પોસ્ટલ વસ્તુઓનું બુકિંગ બંધ કરી દેવાયું છે. ભારતની સાથે સાથે ઘણા યુરોપિયન દેશોએ પણ અમેરિકા સાથેની ટપાલ સેવાઓ સ્થગિત કરી દીધી છે. ઇટાલી, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ઑસ્ટ્રિયા સહિતના ઘણા દેશોએ ટપાલ સેવા સ્થગિત કરી કેમ કે ડોનલ્ડ ટ્રમ્પના નવા ટેરિફ નિયમો હેઠળ યુરોપથી પોસ્ટલ સર્વિસ મારફતે આવતી ચીજો પર પણ ટેરિફ લાદી દેવાઈ છે. ટ્રમ્પે એલાન તો કરી દીધું પણ નવા નિયમો અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી તેથી યુરોપિયન યુનિયનના પોસ્ટલ સંગઠન પોસ્ટ યુરોપ અને અન્ય પોસ્ટલ વિભાગોએ પોસ્ટ દ્વારા સામાન મોકલવાની સેવાઓ હાલ પૂરતી બંધ કરી છે. કમનસીબી એ છે કે, અમેરિકા આપણી મેથી માર્યા કરે છે ત્યારે આપણી સરકાર હજુય ઓલ ઈઝ વેલની ઘટંડી વગાડયા કરે છે. વધારે આઘાતજનત વાત એ કહેવાય કે, સરકાર લોકોને ઉલ્લુ બનાવવા માટે જૂઠાણાં પણ ચલાવી રહી છે. આપણા વિદેશ મંત્રી એસ. જયશંકરે હમણાં જ ડંફાસ મારી છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સાવ સામાન્ય છે અને બંને વચ્ચે કોઈ ઝઘડો નથી. જયશંકરે એવો દાવો પણ કર્યો કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપાર અંગે હજુ પણ વાતચીત ચાલી રહી છે.
વાસ્તવમાં ટ્રમ્પે ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી ત્યારે જ કહી દીધેલું કે, હવે ભારત સાથે ટ્રેડ ડીલ કરવા માટે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. અમેરિકાનું ટ્રેડ ડેલીગેશન 25 ઑગસ્ટે ભારત આવવાનું હતું, પણ અમેરિકાએ આ મુલાકાત રદ કરી દીધી છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI)ના કહેવા પ્રમાણે, ટ્રમ્પના ટેરિફને કારણે યુએસમાં ભારતની નિકાસ 50 ટકા સુધી ઘટી શકે છે. આ ઘટેલી નિકાસના કારણે જેમને ફટકો પડવાનો છે તેમનાં હિતો વિશે પણ સરકારે વિચારવું જોઈએ કે નહીં ? આ નિકાસને બીજા ક્યા દેશો તરફ વાળી શકાય એ વિશે મોદી સરકારના મંત્રીઓ કશું બોલતા નથી કેમ કે તેમની પાસે કોઈ આયોજન નથી તેથી ચર્ચા ચાલુ છે એવાં ઉઠાં ભણાવવાં પડે છે.