યુપીના કાયદામાં લવ જિહાદની વાત જ નથી
ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં થયેલી કારમી હારના પગલે ભાજપે ગુમાવેલી ભૂમિ પાછી મેળવવાનાં ફાંફાં શરૂૂ કર્યાં છે. તેના ભાગરૂૂપે કહેવાતો લવ જિહાદ વિરોધી ખરડો ઉત્તર પ્રદેશની વિધાનસભામાં પસાર કરી દેવાયો. ભાજપ ધર્મના નામે લોકોને ઉલ્લુ બનાવવાનો ખેલ વરસોથી કરે છે એ ખેલ આ ખરડામાં પણ કરાયો છે કેમ કે ભાજપના નેતા જેને લવ જિહાદ વિરોધી કાયદો ગણાવીને કૂદાકૂદ કરે છે અને મીડિયા પણ આ હઈસો હઈસોમાં જોડાઈને લવ જિહાદ વિરોધી કાયદાની બુમરાણ મચાવી રહ્યું છે.
એ વાસ્તવમાં લવ જિહાદ વિરોધી કાયદો છે જ નહીં. આ કાયદો ગેરકાયદેસર રીતે કરાતા ધર્માંતરણ વિરોધી કાયદો છે અને યુપીમાં આ ગેરકાયદેસર ધર્માંતરણ વિરોધી કાયદો પહેલેથી અસ્તિત્વમાં છે. યોગી સરકારે તેમાં સુધારો કરીને સજાની મુદતમાં વધારો કર્યો છે. બાકી આ કાયદામાં ક્યાંય લવ જિહાદનો ઉલ્લેખ નથી ને તેનું નામ જ ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ ક્ધવર્ઝન ઓફ રિલિજિયન (એમેન્ડમેન્ટ) બિલ 2024 છે. આ કાયદાથીના ધર્માંતરણ પર પ્રતિબંધ મુકાયો છે કે ના આંતરધર્મીય લગ્નો પર પ્રતિબંધ મૂકાયો છે કેમ કે, કોઈ રાજ્ય સરકાર એવો કાયદો બનાવીના શકે. આ દેશના બંધારણના ઘડવૈયાઓમાં એટલી અક્કલ હતી જ કે, રાજ્યોને આવા કાયદા બનાવવાની છૂટ આપીશું તો વાંદરાના હાથમાં અસ્ત્રો આપવા જેવું થશે એટલે બંધારણમાં એવી રાજ્યોને એ સત્તા જ નથી અપાઈ. ભારતમાં અત્યારે જે કાયદા છે.
તેમાં બળજબરીથી કરાતું ધર્માંતરણ અપરાધ છે જ. આપણું બંધારણ પુખ્તવયની દરેક વ્યક્તિને મનપસંદ જીવનસાથી સાથે લગ્નનો અધિકાર આપે છે અને ધર્માંતરણની પણ મંજૂરી આપે છે પણ ધર્માંતરણ બળજબરીથી કરાવાય તો એ અપરાધ છે. યોગી સરકારના કાયદામાં આ જ મુખ્ય જોગવાઈ છે. આ કાયદા હેઠળ એક ધર્મની વ્યક્તિ બીજા ધર્મની વ્યક્તિ સાથે લગ્ન કરે એ માટે સજાની જોગવાઈ નથી પણ બળજબરીથી ધર્માંતરણ કરાવીને લગ્ન કરાવાય તો તેના માટે સજાની જોગવાઈ છે. આ જોગવાઈઓ દેશના બંધારણની કોઈ જોગવાઈની વિરુદ્ધ નથી કે દેશનાં લોકોનો કોઈ અધિકાર છિનવી લેતી નથી. બંધારણ મૂળભૂત અધિકારો હેઠળ દરેક વ્યક્તિને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ આપે છે. વ્યક્તિ ઈચ્છે તો ધર્મ પણ બદલી શકે ને જ્યારે બદલવો હોય તેયારે બદલી શકે. યુપીના કહેવાતા લવ જિહાદના કાયદામાં આ હક છિનવી નથી લેવાતો.