દુબઇમાં દુનિયાનો સૌથી લાંબો 6.6 કિલોમીટરનો પબ્લિક બીચ બનશે
ઇકોટૂરિઝમને પ્રમોટ કરવા માટે દુબઈ દ્વારા દુનિયાનો સૌથી લાંબો 6.6 કિલોમીટરનો પબ્લિક બીચ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેબેલ અલી બીચ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ દ્વારા લીલી ઝંડી આપી દેવામાં આવી છે. લોકલ ઇકોસિસ્ટમ અને વાઇલ્ડલાઇફને પ્રોત્સાહન આપવાની સાથે લોકોને મનોરંજન પણ મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ પ્રોજેક્ટને ત્રણ પાર્ટમાં વહેંચવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 2.2 કિલોમીટરનો ડ્રાઇવિંગ એરિયા હશે. તેમ જ કુદરતી સૌંદર્યને માણી શકાય એ માટેનો એક વોકવે પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને ત્રણ લોકેશનમાં વહેંચવામાં આવ્યો છે.
પહેલા લોકેશનને ધ પર્લ નામ આપવામાં આવ્યું છે. એમાં બીચ, સ્પોર્ટ્સ ઍક્ટિવિટીઝ, સ્વિમિંગ-પૂલ, કિડ્સ ઝોન તેમ જ પૂલ સાથેની બીચ ક્લબ અને કેફેનો સમાવેશ કરવામાં આવશે. ફ્લોટિંગ રેસ્ટોરાંથી લઈને પ્રાઇવેટ બીચનો પણ સમાવેશ કરવામાં આવશે, પરંતુ એના માટે ફી ચૂકવવી પડશે. બીજા લોકેશનને સેન્ચુરી નામ આપવામાં આવ્યું છે.
એમાં કાચબા અને અન્ય પ્રાણીઓ માટે સ્વર્ગ બનાવવામાં આવશે. અહીં પણ કેટલીક સ્પોર્ટ્સ ઍક્ટિવિટીઝનો સમાવેશ કરવામાં આવશે પરંતુ એ પર્યાવરણને નુકસાન નહીં કરે એવી જ હશે. ત્રીજા લોકેશનને નેસ્ટ નામ આપવામાં આવ્યું છે. અહીં એક રેક્રીએશનલ એજ્યુકેશન ડેસ્ટિનેશન બનાવવામાં આવશે. બાયોડાઇવર્સિટી, કાચબાઓની પ્રજાતિઓને લગતું એજ્યુકેશન તેમ જ પર્યાવરણને લગતો સ્ટડી કરવામાં આવશે.