અક્ષરધામની કળા અને સ્થાપત્ય નિહાળી અભિભૂત થયા USAના ઉપરાષ્ટ્રપ્રમુખ
આપે આટલી ચોક્કસાઇ અને કાળજી સાથે આ અદ્ભૂત મંદિરની રચના કરી છે તે ભારત માટે ખરેખર ગર્વની વાત છે: જે.ડી. વાન્સ
દિલ્હીનાં અક્ષરધામ મંદિરની જે.ડી. વાન્સે પત્ની તથા ત્રણ બાળકો સાથે લીધી મુલાકાત
ચાર દિવસની ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે પધારેલા અમેરિકન ઉપ રાષ્ટ્રપ્રમુખ જે. ડી. વાન્સ, ભારતમાં આગમન બાદ, તેમના પત્ની ઉષા અને ત્રણ બાળકો - ઇવાન, વિવેક અને મિરાબેલ સાથે આજે દિલ્લી સ્થિત વિશ્વવિખ્યાત સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાતે પધાર્યા હતા. મહંત સ્વામી મહારાજ વતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ ઉપરાષ્ટ્રપ્રમુખ અને તેમના પુત્રોનું ભારતીય પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું. મહિલા અગ્રણીઓએ તેમનાં ધર્મપત્ની ઉષાજી અને તેમની સુપુત્રીનું સ્વાગત કર્યું.
પરંપરાગત હિન્દુ સ્થાપત્ય અને આધ્યાત્મિકતા, ભારતીય કળા, સંસ્કૃતિ અને આધુનિક મેનેજમેન્ટના અભૂતપૂર્વ સંગમ એવા નવર્લ્ડથસ્ મોસ્ટ કોમપ્રિહેંસીવ હિન્દુ મંદિરથ એવા અક્ષરધામ મહામંદિરમાં પધારી શાંતિ અને ધન્યતાનો અનુભવ કર્યો. ભગવાન સ્વામિનારાયણને સમર્પિત તથા પ્રમુખસ્વામી મહારાજ દ્વારા નિર્મિત આ ભવ્ય મહામંદિરના અજોડ સ્થાપત્ય અને બેનમૂન કલા-કારીગરીથી તેઓ પ્રભાવિત થયા હતા. ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસા તથા પારિવારિક મૂલ્યોની વિવિધ સમયાતીત રજૂઆતોને નિહાળી તેઓ અભિભૂત થયા. પોતાનાં બાળકો અને પત્ની સાથે ઉપરાષ્ટ્રપ્રમુખે ભગવાન સ્વામિ નારાયણનાં દર્શન કરી, એમનાં ચરણે ભાવાંજલિ અર્પણ કરી હતી.
નજીકના ભવિષ્યમાં પોતાના પરિવાર સાથે અમેરિકામાં ન્યૂજર્સીના રોબિન્સવિલ સ્થિત ભવ્ય બીએપીએસ સ્વામિ નારાયણ અક્ષરધામ મહામંદિરની મુલાકાતે પધારવાની પણ ઈચ્છા તેમણે વ્યક્ત કરી હતી. ઉપ રાષ્ટ્રપ્રમુખની આ મુલાકાત એ ભારત અને અમેરિકાનાં શ્રદ્ધા, શાંતિ અને સંપનાં સહિયારા મૂલ્યોને દર્શાવતા, બન્ને રાષ્ટ્રોના પરસ્પર મજબૂત સંબંધોનું પ્રતીક બની રહી.
તેઓની આ વિશિષ્ટ યાદગાર મુલાકાતના અંતે તેઓએ આ ભાવપૂર્ણ સ્વાગત બદલ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પ્રત્યે આભાર પ્રગટ કરતાં જણાવ્યું કે, આપે આટલી ચોકસાઈ અને કાળજી સાથે આ અદ્ભુત મંદિરની રચના કરી છે, તે ભારત માટે ખરેખર ગર્વની બાબત છે. અમને અને ખાસ કરીને અમારા બાળકોને આ સ્થાન ખૂબ જ ગમ્યું. ભગવાનના આશીર્વાદ સૌ પર વરસતા રહે.
અક્ષરધામના પ્રત્યેક પાસામાં છલકતી વિશ્વશાંતિની ઉદાત્ત ભાવનાથી તેઓ સવિશેષ પ્રેરિત થયા હતા. વિશ્વના આવા અનેક આંતરરાષ્ટ્રીય નેતાઓ પ્રમુખસ્વામી મહારાજ દ્વારા રાજધાની દિલ્હીમાં નિર્મિત સ્વામિનારાયણ અક્ષર ધામની દર્શન-મુલાકાત લઈને સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોથી સુવાસિત થઈને જાય છે.અમેરિકન ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વાન્સની મુલાકાત દરમ્યાન તેનું આજે એક વધુ ઉદાહરણ નિરખવા મળ્યું હતું.
બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા યુએસએમાં રોબિન્સ વિલમાં સ્વામિ નારાયણ અક્ષરધામ અને અબુધાબીમાં બી.એ.પી.એસ. હિન્દુ મંદિર જેવા વિશ્વવિખ્યાત મંદિરો અને સાંસ્કૃતિક કેન્દ્રોના નિર્માણ દ્વારા સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિના શાશ્વત સ્મારકો રચવા માટે સુપ્રસિદ્ધ છે. વર્તમાન આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામી મહારાજની છત્રછાયા હેઠળ બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા અનેક આધ્યાત્મિક સેવાકાર્યો ઉપરાંત રાહત કાર્યો, શૈક્ષણિક સેવાઓ, પર્યાવરણીય સેવાઓ, તબીબી સેવાઓ જેવી અન્ય અનેક અનેકવિધ સામાજિક સેવાઓમાં વિશ્વ સ્તરે સક્રિય રૂૂપે પ્રદાન કરી રહી છે.