ચીનના એરબેઝ મજબૂત બનતાં ભારત પર ખતરો વધ્યો
ભારતના ચીન સાથેના સંબંધો સારા થયા હોવાના કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના દાવા વચ્ચે એક ચોંકાવનારો મીડિયા રિપોર્ટ બહાર આવ્યો છે. આ રિપોર્ટ પ્રમાણે, ચીને તિબેટમાં લુન્ઝે એરબેઝ પર 36 હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સ બનાવ્યાં છે. ચીને લુન્ઝેમાં હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સની સાથે સાથે નવા વહીવટી બ્લોક્સ અને નવા એપ્રોનનું બાંધકામ પણ કર્યું છે. લુન્ઝે એરબેઝ ભારતના ઉત્તર-પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશની એકદમ નજીક છે.
અરુણાચલ પ્રદેશના વ્યૂહાત્મક શહેર તવાંગથી લગભગ 107 કિલોમીટર દૂર આવેલા લુઝે એરબેઝમાં ચીને સીએચ-4 ડ્રોનનો ખડકો પણ કર્યો છે. ચીનના લશ્કરી ખડકાનો પર્દાફાશ સેટેલાઈટ તસવીરોના કારણે થયો છે. વિશ્વમાં વંતોર સીક્યુરિટી ઈન્ટેલિજન્સમાં ટોચની એજન્સી મનાય છે. અગાઉ મેક્સર તરીકે ઓળખાતી વંતોરે લીધેલી સેટેલાઈટ તસવરમાં ચીને ભારત સાથેની સરહદે તાણી બાંધેલાં લશ્કરી બાંધકામ સ્પષ્ટ દેખાય છે.
હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સનો મતલબ જેટ ફાઈટર્સને રાખવા માટેનાં બંકર થાય છે. દુશ્મન દેશ ગમે તેવા હુમલા કરે પણ જેને કશું ના કરી શકે એવા બંકરને હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સ કહે છે. ચીને લુઝેમાં આવા હાર્ડન્ડ એરક્રાફ્ટ શેલ્ટર્સની સાથે સાથે નવા વહીવટી બ્લોક્સ અને નવા એપ્રોનનું બાંધકામ પણ કર્યું છે.
ચીનનાં સીએચ-4 ડ્રોન ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ સેન્સર ધરાવે છે અને 16,000 ફૂટથી વધુ ઊંચાઈથી બોમ્બ ફેંકી શકે છે. ભારત અને ચીન વચ્ચેની સરહદ મેકમોહન લાઇનથી લગભગ 40 કિલોમીટર ઉત્તરમાં આવેલા લુન્ઝે એરબેઝ પર ચીન આ બધું બાંધકામ કરે કે ડ્રોનનો ખડકલો કરે તેનો અર્થ એ થયો કે, ચીન ભારતની સરહદે મોટા પ્રમાણમાં લશ્કરી થાણાં ઊભાં કરી રહ્યું છે.
ભારતીય એરફોર્સ મજબૂત છે પણ ચીનની તાકાત રાક્ષસી છે. ચીને વિકસાવેલાં ડ્રોન તો ગમે ત્યાં ઘૂસી જાય છે. ચીન તરફથી ઊભા થયેલા આ ડ્રોન ખતરાનો ભારત પાસે કોઈ જવાબ અત્યારે નથી. 2029માં જનરલ એટોમિક્સ દ્વારા ઉત્પાદિત સ્કાય ગાર્ડિયન ડ્રોન ઈન્ડિયન આર્મીને મળશે ત્યારે ભારત પાસે ચીનનાં ડ્રોનનો જવાબ હશે પણ 2029ને હજુ ચાર વર્ષની વાર છે.