દક્ષિણ આફ્રિકામાં સૌથી મોટા BAPS મંદિરનું મહંત સ્વામીના હસ્તે ઉદ્ઘાટન
ભારત અને દક્ષિણ આફ્રિકા દેશ વચ્ચે છેલ્લી દોઢ સદીથી વધુ જૂના સાંસ્કૃતિક,વ્યાપારિક અને આર્થિક સંબંધો રહેલાં છે.આ સંબંધોમાં વધુ એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરાયું છે.ગત તા.2/2/2025, રવિવાર વસંત પંચમીના પવિત્ર દિવસે બીએ પીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજના હસ્તે દક્ષિણ આફ્રિકા દેશની આર્થિક રાજધાની જોહનિસબર્ગમાં સાડા ચૌદ એકરની વિશાળ ભૂમિ પર ઇઅઙજ હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક સંકુલના પ્રથમ ચરણમાં સ્વામિનારાયણ હવેલીનું ઉદ્ઘાટન અને મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
ભારતથી અનેક વર્ષોથી, હજારો કિલોમીટર દૂર, દક્ષિણ ગોળાર્ધમાં વસતા ભારતીય મૂળના સનાતનીઓ માટે આ એક ગૌરવપ્રદ ઘટના હતી. આ નિમિત્તે બી.એ.પી.એસ દ્વારા આયોજીત 12 દિવસીય મંદિર મહોત્સવ આશા અને એકતાનું પ્રતિક બની રહેશે.
ઉદ્ઘાટિત થયેલ સ્વામિનારાયણ હવેલી ભારતીય વાસ્તુકલા અને કાષ્ઠકળાનો સુંદર નમૂનો છે. આ હવેલીમાં આવેલ ભવ્ય સભામંડપો ભારતીય સાહિત્ય, કળા અને અધ્યાત્મને પોષણ આપશે. આ પરિસરના 26 થી વધુ વર્ગખંડો ગુજરાતી,હિન્દી અને સંસ્કૃત જેવી ભારતીય ભાષાઓ, કથ્થક,ભારત નાટ્યમ્, કુચિપૂડી જેવા પરંપરાગત નૃત્યો, તબલાં - હાર્મોનિયમ, સંતુર, વાંસળી જેવા વાદ્યો શીખવવા માટે ઉપયોગમાં લેવાશેજે આવનારી પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડેલા રાખશે.
આ પ્રસંગે દક્ષિણ આફ્રિકા દેશના ડેપ્યુટી પ્રેસિડેન્ટ પૌલ માશાટીલે પણ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને 92 વર્ષની જૈફ વયે દક્ષિણ આફ્રિકા પધારી સુંદર સાંસ્કૃતિક સંકુલની ભેટ આપવા બદલ સમગ્ર દેશ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ બહુસાંસ્કૃતિકવાદ અને આંતરધર્મ સમરસતામાં મંદિરના યોગદાનની પ્રશંસા કરી.તેમણે દેશની સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવામાં અને બંને દેશો વચ્ચે સમજણ વધારવામાં મંદિરની ભૂમિકાની પ્રશંસા કરી. આવનાર સમયમાં ભારતીય નાગરાદિ શૈલીથી નિર્માણ પામનાર સ્થાપત્યકળા નમૂનારૂૂપ મંદિર માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આમ, આ મંદિરને સંસ્કૃતિ,કળા અને સ્થાપત્યના સંપોષક ઉપરાંત ભારત અને દક્ષિણ આફ્રિકાના પારસ્પરિક સંબંધોને વધુ સુદૃઢ કરનાર કડી તરીકે જોવામાં આવી રહ્યું છે.
સંકુલમાં સનાતન ધર્મના ભગવત્સ્વરૂૂપો ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા કૃષ્ણ, ભગવાન ઉમા-મહેશ્વર, ભગવાન સીતારામજી, પત્નીઓ શ્રીદેવી - ભૂદેવી સહિત ભગવાન નિવાસ બાલાજી, ભગવાન શ્રી મુરુગન સ્વામી, શ્રી હનુમાનજી - ગણપતિજી અને ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા વેદમંત્રો દ્વારા ધામધૂમથી કરવામાં આવી હતી.આ પ્રસંગે 11 દિવસીય મહાયજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જે દ્વારા અનેક લોકોએ ભારતીય યજ્ઞીય સંસ્કૃતિનો પરિચય મેળવી યજ્ઞ નારાયણને આહૂતિ આપી હતી.
નોંધનીય છે કે આફ્રિકા ભૂખંડમાં સ્વામિનારાયણીય સત્સંગની શરૂૂઆત વર્ષ 1927માં બી.એ.પી.એસ સંસ્થાના સંસ્થાપક પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના સમયથી થઈ.ત્યારબાદ તેઓના અનુગામી પૂજ્ય યોગીજી મહારાજે આફ્રિકાના વિવિધ દેશોમાં ત્રણ વાર પધારી પોષણ આપ્યું અને પૂર્વ આફ્રિકાના યુગાન્ડા અને કેન્યા દેશોમાં તેઓના સમય દરમિયાન છ મંદિરોની ભેટ આપી અને 23 માર્ચ 1960ના રોજ દક્ષિણ આફ્રિકાની બોર્ડર પર લિમ્પોપો નદીકિનારે પધારી દક્ષિણ આફ્રિકામાં સત્સંગ વિકાસના આશીર્વાદ આપ્યા.યોગીજી મહારાજ બાદ પ્રમુખસ્વામી મહારાજે આફ્રિકામાં ચૌદવાર (સાત વખત દક્ષિણ આફ્રિકા) અને વર્તમાન ગુરુ મહંત સ્વામીજીએ બારવાર પધારી ભારતીય સંસ્કારો અને મૂલ્યો સમગ્ર આફ્રિકામાં દૃઢાવ્યા છે. છેલ્લાં નવ દાયકાથી વધુ સમયમાં વિસ્તરેલી સત્સંગ - સંસ્કારની ધારાઓ દક્ષિણ આફ્રિકામાં સાત મંદિરો સહિત કુલ પાંત્રીસ હરિમંદિરો અને નૈરોબી (કેન્યા) સ્થિત શિખરબદ્ધ મંદિરરૂૂપે અધ્યાત્મની ભાગીરથી વહાવી રહ્યા છે અને અનેક નિર્માણાધિન છે.
આફ્રિકનોમાં શોભાયાત્રા બની આકર્ષણનું કેન્દ્ર
આ પ્રસંગે જોહનિસબર્ગના હૃદય સમા સેંટન વિસ્તારમાં નીકળેલી 29 અલગ અલગ ફ્લોટ ધરાવતી, દોઢ કિલોમીટર લાંબી,2000 થી વધુ ભક્તો - ભાવિકોને ઉભરાતી શોભાયાત્રા સ્થાનિક આફ્રિકન ભાઈઓ ઉપરાંત સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
દર્શનાર્થીઓ માટે સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા
આ પરિસરમાં દર્શનાર્થીઓ શાયોના ઉપાહાર ગૃહમાં ભારતના વિવિધ પ્રાંત સહિત અન્ય સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.નવી પેઢી અધ્યાત્મ સાથે આનંદ પણ પ્રાપ્ત કરે તે માટે સુંદર લાઈબ્રેરી અને ઈન ડોર જીમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પોણા નવ એકરથી વધુ બાંધકામ (બિલ્ટ અપ સ્પેસ) તેની ભવ્યતા જણાવે છે. સંસ્થા દ્વારા પરિસરમાં 100 થી વધુ સઘન વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને 10 લાખથી વધુ લોકોને ભોજન (મિલિયન મિલ્સ) સહાયની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.