ભારતીય સંસ્કૃતિની ભવ્યતાની ઝાંખી કરાવશે અબુધાબીનું હિંદુ મંદિર
7 શિખર, બે ગુંબજ, 96 ઘંટ અને પાંચ દેશોના ઈતિહાસની કોતરણી: 13મીએ અનલાહ મોદી કાર્યક્રમ
મુસ્લિમ દેશ અબુધાબી રણપ્રદેશમાં 27 એકર જમીન ઉપર નિર્માણ પામેલ ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઝાંખી સમાન બીએપીએસ સંપ્રદાયના હિંદુ મંદિરનું આગામી તા. 13-14 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે શાંતિ અને સમરસતાના પ્રતીક સમાન આ મંદિરની ભવ્યતા સામે આવી છે. મંદિરમાં બે ગુંબજ અને સાત શિખર છે. આખું મંદિર ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. અને મંદિરમાં ભારત ઉપરાંત અરબી, ઈજિપ્તિયન, મેસોપોટેમિયમ અને એઝટેકની સંસ્કૃતિમાંથી પસંદ કરાયેલા ઈતિહાસની અદ્ભુત કોતરણીની કલાના દર્શન થાય છે. પૂ. પ્રમુખ સ્વામીએ 96 વર્ષે અક્ષર પ્રયાણ કર્યુ હોવાથી મંદિરમાં તેમની યાદમાં 96 ઘંટ લગાવવામાં આવેલ છે. મંદિરના પ્રાંગણમાં ભવ્ય ફુવારા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. પટાંગણમાં ઉઘાડા પગે ફરવા છતાં પગમાં ગરમી લાગે નહીં તેવું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. મંદિરના ઉદ્ઘાટનના દિવસે અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં તા. 13ના રોજ અનલાહ મોદી (હેલ્લો મોદી) કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તા. 18 ફેબ્રુઆરીથી આમ દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું મુકવામાં આવશે.