કબૂતરબાજીની કાળી કહાની; કરોડો રૂપિયા આપી જેલમાં સબડવું પડે
ડોલરમાં કમાણી કરવાનું સપનું લઈને ગેરકાયદેસર અમેરિકા ઘૂસેલા 104 ભારતીયોને લઈને અમેરિકન સેનાનું એક વિમાન ગઈકાલે અમૃતસર આવ્યું હતુ. જેમાં અમેરિકામાં ગેરકાયદે વસેલા 33 ગુજરાતીઓ ઉપરાંત હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર, ચંદીગઢના નાગરિકો સામેલ છે.
જો કે સ્વદેશ પરત ફર્યા બાદ આવા લોકોની હાલત વધારે કફોડી બની ગઈ છે, કારણ કે લાખો રૂૂપિયાનું દેવું કરીને જીવ જોખમમાં મૂકીને અમેરિકા પહોંચ્યા બાદ ડિપોર્ટ કરવામાં આવતા તેમનું ડોલર કમાવવાનું સપનું રોળાઈ ગયું છે.આવી જ એક કહાની હરિયાણાના કરનાલ જિલ્લાના આકાશની છે. કરનાલ જિલ્લાના ઘરૌંડા તાલુકાના કાલરો ગામના 20 વર્ષીય આકાશ નામના યુવકે અમેરિકા પહોંચવા માટે એજન્ટો પાછળ 72 લાખ રૂૂપિયા ખર્ચી નાંખ્યા હતા. જો કે અમેરિકાએ તગેડી મૂકતા આકાશને હથકડી પહેરેલી હાલતમાં સ્વદેશ પરત ફરવું પડ્યું છે.
આકાશની અમેરિકા જવાની જિદ આગળ પરિવાર પણ ઝૂકી ગયો અને ગામમાં આવેલી પોતાની અઢી એકર જમીન વેચીને એજન્ટને પૈસા ચૂકવવામાં આવ્યા. જે બાદ આજથી 10 મહિના પહેલા જ આકાશે ભારત છોડી દીધું હતુ. જો કે ગત 26 જાન્યુઆરીના રોજ મેક્સિકોની દિવાલ કૂદીને અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કર્યો.છેલ્લે 26 જાન્યુઆરીએ અમેરિકન અધિકારીઓ દ્વારા પકડાઈ ગયા બાદ આકાશ સાથે વાત થઈ હતી. જ્યાં આકાશને બોન્ડ ભરીને છોડી દેવામાં આવવાનો હતો. જો આકાશ સાઈન કરવાનો ઈનકાર કરે, તો તેને અમેરિકન જેલમાં સબડવું પડત. આખરે તેણે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો હતો.
આકાશે ડંકી રૂૂટના કેટલાક વીડિયો પણ શેર કર્યાં છે. આ રૂૂટ પરથી અમેરિકા જવાના બે રસ્તા હોય છે. જેમાં એક મેક્સિકોની દિવાલ કૂદીને અમેરિકામાં પ્રવેશવું. જ્યારે બીજા રસ્તામાં અનેક દેશો, જંગલો અને દરિયો ખેડીને અમેરિકામાં પહોંચવાનું હોય છે.એજન્ટ દ્વારા આકાશના પરિવાર પાસેથી તેને સીધા મેક્સિકો પહોંચાડવા માટેના પૈસા પડાવવામાં આવ્યા હતા. જો કે તેને બીજા રસ્તે લઈ જવામાં આવ્યો.
આકાશ દ્વારા ડંકી રૂૂટના કેટલાક વીડિયો પણ શેર કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક બાળકો અને મહિલાઓ સહિતના અન્ય લોકો જંગલ, કિચડ અને પર્વતીય પ્રદેશોમાંથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વીડિયોમાં આકાશ કાદવથી ખરડાયેલા પોતાના જૂતા પણ દેખાડી રહ્યો છે. આ સાથે જ જંગલમાં તંબુ તાણેલા પણ જોઈ શકાય છે. આવા વીડિયો ડંકી રૂૂટની વરવી વાસ્તવિક્તા દર્શાવી રહ્યા છે.
અમેરિકામાં અનેક ગુજરાતીઓ અંડરગ્રાઉન્ડ, બધાને કાઢી મૂકે તો 50 ફલાઇટ પણ ઘટે
અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 37 લોકો ગુજરાત સલામત રીતે પરત આવી ગયા છે. પરંતુ, અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની ખુબ મોટી સંખ્યા છે. અમેરિકાથી ડિપોર્ટ થઇને ભારત પરત આવેલા પાટણના એક યુવકે જણાવ્યું કે મારા સહિત કુલ 37 લોકોને અનેક દિવસો પહેલા જ ગેરકાયદે પ્રવેશ બદલ ડીટેઇન કરાયા હતા. જો કે અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓની સંખ્યા જોવા જઇએ તો પાંચ હજારથી વધારે છે. જે વિવિધ મોલ અને હોટલોમાં તેમજ અન્ય સ્થળે કામ કરે છે. ગુજરાતીઓ સહિત સવા લાખથી વધારે ભારતીયોને શોધવા માટે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. જેના કારણે છેલ્લાં ઘણા દિવસોથી વિવિધ મોટેલ અને હોટલોમાં ગેરકાયદે કામ કરતા ભારતીયો આવવાના બંધ થયા છે. તો કેટલાંક લોકો તેમના મકાનો બદલી રહ્યા છે. અમેરિકાથી જો ગુજરાતીઓને ડિપોર્ટ કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવે તો 50 ફ્લાઇટ પણ ઓછી પડે તેવી સ્થિતિ છે .