For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ

12:19 PM Oct 01, 2024 IST | admin
સુનિતા વિલિયમ્સને પરત લાવવાનું કાઉન્ટ ડાઉન શરૂ

ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુશ વિલ્મોર છેલ્લા ત્રણ મહિનાથી અવકાશમાં એટલે કે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)માં ફસાયેલાં છે. નાસાના અવકાશયાત્રી સુનિતા અને બુશનું શું થશે તેના પર આખી દુનિયાની નજર છે. બંનેને અવકાશમાંથી પૃથ્વી પર પાછાં લાવવા માટે છેલ્લા ઘણા દિવસોથી સતત પ્રયાસો ચાલી રહ્યા છે પણ કોઈ નિવેડો નહોતો આવતો.

Advertisement

છેવટે એલન મસ્કની કંપની સ્પેસએક્સે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર ફસાયેલા આ બંને અવકાશયાત્રીને પાછા લાવવા માટે રેસ્ક્યૂ મિશન શરૂૂ કર્યું છે. સ્પેસએક્સ ક્રૂ ડ્રેગન મિશન નામના આ મિશન હેઠળ સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ અને ડ્રેગન અવકાશયાનને કેપ કેનેવરલ સ્પેસ ફોર્સ સ્ટેશનના લોન્ચ કોમ્પ્લેક્સ 40 માંથી લોન્ચ કરવામાં આવ્યા છે. મિશન કમાન્ડર નિક હેગ અને એલેકઝાન્ડર ગોરબુનોવ આ મિશન પર રવાના થયાં છે અને બંને સુનિતા અન બુશને પાછાં લાવવામાં સફળ થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.

બધાં ઈચ્છે છે કે, આ મિશન સફળ થાય કેમ કે સુનિતા અને વિલ્મોર છેલ્લા ત્રણ મહિનાથી ફસાયેલાં છે. સુનીતા વિલિયમ્સ અને વિલમોર જૂન 2024 માં બોઇંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં આઠ દિવસના મિશન પર ગયાં હતાં. બંને જૂનમાં જ પાછાં આવી જવાનાં હતાં પણ બોઈંગના સ્પેસક્રાફ્ટના થ્રસ્ટર્સ અને હિલિયમ લીકમાં ખામી સર્જાતાં પૃથ્વી પર પાછા ફરવાનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો. તેના કારણે વિલિયમ્સ અને વિલ્મોર હજી પણ અંતરિક્ષમાં આવેલા ઈન્ટરનેશનલ સ્પેસ સ્પેશન પર ફસાયેલા છે. ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બનેલી છે. ભારતીય મૂળનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાએ 19 નવેમ્બરથી 5 ડિસેમ્બર 1997 દરમિયાન પોતાની પ્રથમ અવકાશ યાત્રા કરી ત્યારે તેમની અવકાશયાત્રા નિર્વિઘ્ને પાર પડી હતી.

Advertisement

કલ્પના ચાવલા 16 દિવસ સુધી અવકાશમાં રહ્યાં હતાં અને વિવિધ સંશોધનો હાથ ધર્યાં હતાં. 16 જાન્યુઆરી, 2003 ના રોજ કલ્પના ચાવલા બીજી વાર અવકાશ યાત્રા માટે રવાના થયાં હતાં. કલ્પનાના કોલંબિયા શટલે ઉડાન ભરી ત્યારે કોઈને કલ્પના નહોતી કે આ મિશન સફળ નહીં થાય. કલ્પના ચાવલા અવકાશ યાત્રા પરથી પાછાં ફરી રહ્યાં હતાં અને સ્પેસક્રાફ્ટ કોલંબિયા શટલ ઝજ-107 પૃથ્વીથી લગભગ 2 લાખ ફૂટની ઊંચાઈ પર હતું ત્યારે જ તૂટી પડ્યું હતું. કોલંબિયા સ્પેસ શટલને પૃથ્વી પર પહોંચવામાં 16 મિનિટથી પણ ઓછો સમય લાગવાનો હતો પણ આર 16 મિનિટ પૂરી થઈ જ નહીં. અચાનક સ્પેસક્રાફ્ટ સાથે નાસાનો સંપર્ક તૂટી ગયો અને કોલંબિયા તૂટી ગયું. કોલંબિયા અમેરિકાના ટેક્સાસના ડેલસ વિસ્તારમાં પડ્યું હતું.

આ ઘટનામાં કલ્પના ચાવલા સહિત બધા અંતરિક્ષયાત્રીઓનાં મોત થઈ ગયાં હતાં. આ કારણે સુનિતા અને વિલ્મોરને પાછાં સ્પેસલાઈનરમાં પૃથ્વી પર મોકલવાનું જોખમ ના ઉઠાવાયું. તેના બદલે સુનીતા વિલિયમ્સ અને વિલ્મોરને પરત લાવવા માટે ખાસ મિશન હાથ ધરાયું છે. આ મિશનમાં જે યાન મોકલાયું છે તેમાં બે સીટ ખાલી રાખવામાં આવી છે. આ સ્પેસ મિશન પહેલાં પણ સફળ રહ્યું છે. આ અવકાશયાનમાં બે અવકાશયાત્રીઓને નાસાએ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલ્યા હતા અને બંને આ વરસના ફેબ્રુઆરીમાં પાછા ફર્યા હતા. સુનિતા અને વિલ્મોર સહીસલામત આવી જશે પણ સ્ટારલાઈનરના અનુભવે સાબિત કર્યું છે કે, આપણા એટલે કે માનવજાત માટે અવકાશની સફર ધારીએ છીએ એટલી સરળ નથી. આપણે બીજાં ગ્રહો પર વસવાનાં સપનાં જોઈએ છીએ, અવકાશમાં નિવાસ એટલે કે સ્પેસ કોલોની બનાવવાની વાતો કરીએ છીએ પણ આ સપનાંને સાકાર કરવા માટે બહુ મહેનત કરવી પડે એમ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement