US બજારોમાં કોરોના બાદ સૌથી મોટી સુનામી
ચાઈનાએ વળતો 34 ટકા ટેરિફ લાદતા ડાઉ જોન્સમાં 5.73 ટકા અને એસ.પી.માં 500 અંકનો કડાકો, રોકાણકારોના પાંચ ટ્રિલિયન ડોલર સ્વાહા
અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્ર્વના અનેક દેશો સામેછેડેલી ટ્રેડ વોરમાં ચીને વળતો પ્રહાર કરી વળતી 34 ટકા ડ્યુટી લાદતા જ અમેરિકન શેરબજાર ધ્રુજી ઉઠ્યુ હતુ અને સ્ટાન્ડર્ડ એન્ડ કુઅર્સ (એસ.પી.)માં 500 અંક એટલે કે, 6 ટકા અને ડાઉજોન્સમાં 2231 અંક એટલે કે, 5.73 ટકાનો કડાકો બોલી ગયો હતો. પરિણામે રોકાણકારોની મુડીમાં ભારતીય અંદાજે 4 ટ્રીલિયન ઈકોનોમી કરતા પણ વધુ પાંચ ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે.નિષ્ણાંતોના કહેવા મુજબ આ અઠવાડિયુ ટ્રેડવોરના કારણે વિશ્ર્વભરના બજારો માટે અત્યંત ખરાબ રહ્યું છે. અને આગામી અઠવાડિયુ ટ્રેડવોર માટે દિશાસુચક બની રહેશે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક દેશો સામે ટેરિફ વધારવાની અસર હવે દેખાવા લાગી છે. વિશ્વભરના શેરબજારોમાં વેચવાલીનો માહોલ શરૂૂ થઈ ગયો છે. અને તેમાંથી અમેરિકન બજારો પણ તેનાથી બાકાત રહ્યા નથી.
શુક્રવારે સતત બીજા દિવસે અમેરિકન બજારોમાં મોટો કડાકો નોધાયો હતો. SP 500 6 ટકા ઘટ્યો હતો. તે જ સમયે, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 2,231 પોઇન્ટ તૂટ્યો. SP 500 ફેબ્રુઆરીના તેના રેકોર્ડથી લગભગ 16% ઘટી ગયો છે. જ્યારે નાસ્ડેક -948.58 પોઈન્ટ એટલે કે 5.73% ઘટીને 15602.03 પર બંધ થયો હતો.
SP 500 અને ગફતમફિ માં માર્ચ 2020 પછી એટલે કે, કોરોના કાળ બાદ સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. ડાઉ જોન્સમાં ઓક્ટોબર 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે, કોવિડ-19 મહામારી પછી આ સૌથી મોટો ઘટાડો છે.
યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે જણાવ્યું હતું કે ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવાથી અમેરિકામાં મોંઘવારી અને મંદી વધવાનું જોખમ છે. તેના વૃદ્ધિ ધીમી થઈ શકે છે. વેપાર યુદ્ધને કારણે માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા મંદીના ભય હેઠળ છે. ટેરિફથી માલના ભાવ વધશે, જેનાથી ફુગાવો વધશે. આનાથી માંગ ઘટશે, જે મંદીનો માર્ગ મોકળો કરશે.
આ મામલે ટ્રૂથ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું કે મોટા બિઝનેસ ટેરિફ વિશે ચિંતિત નથી કેમ કે તે જાણે છે કે તે જળવાઈ રહેશે પણ તેમનું ધ્યાન બ્યુટીફૂલ ડીલ પર છે. જે અમારા અર્થતંત્રને પ્રોત્સાહિત કરશે. આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેની પ્રક્રિયા હજી ચાલી રહી છે.
ટ્રમ્પના ત્રાગાથી અમેરિકી અબજોપતિઓની સંપત્તિમાં ગાબડા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા 2 એપ્રિલે જાહેર કરવામાં આવેલી પારસ્પરિક ટેરિફની નીતિએ વૈશ્વિક બજારોમાં હડકંપ મચાવી દીધો છે. આ નિર્ણયની અસર વિશ્વના સૌથી ધનાઢ્ય લોકો પર પણ પડી છે, જેમણે એક જ દિવસમાં કુલ 208 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. ખાસ કરીને અમેરિકાના અબજોપતિઓને આ નુકસાનનો સૌથી મોટો ફટકો પડ્યો છે, જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ, એમેઝોનના જેફ બેઝોસ અને ટેસ્લાના એલોન મસ્ક જેવા મોટા નામો સામેલ છે. ટ્રમ્પની ટેરિફ જાહેરાત બાદ સૌથી વધુ નુકસાન થયેલા ટોચના 10 અબજોપતિઓમાંથી નવ અમેરિકન છે. ઝકરબર્ગ, બેઝોસ અને મસ્ક ઉપરાંત માઈકલ ડેલ (9.53 અબજ ડોલર), લેરી એલિસન (8.10 અબજ ડોલર), જેન્સન હુઆંગ (7.36 અબજ ડોલર), લેરી પેજ (4.79 અબજ ડોલર), સેર્ગેઈ બ્રિન (4.46 અબજ ડોલર) અને થોમસ પીટરફી (4.06 અબજ ડોલર) આ યાદીમાં સામેલ છે. ફ્રાન્સના બર્નાર્ડ આર્નો (6.22 અબજ ડોલર) એકમાત્ર બિન-અમેરિકન અબજોપતિ છે જે આ યાદીમાં સ્થાન પામ્યા.