જેરૂસલેમમાં આતંકવાદી હુમલો: પાંચ નાગરિકોના મોત, 15 ઘાયલ
પેલેસ્ટાઇની આતંકીઓએ હુમલો કર્યો હોવાનો ઇઝરાયેલનો દાવો, બે હુમલાખોરો ઠાર
ઇઝરાયેલના પ્રખ્યાત ધાર્મિક શહેર જેરૂસલેમમાં આતંકવાદી હુમલો થયો છે. જેમાં પાંચ લોકોના મોત થયા છે. અને પંદરથી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે.
સોમવારે જેરુસલેમમાં ગોળીબારમાં 5 લોકો માર્યા ગયા અને 15 ઘાયલ થયા. પોલીસ અને ઇઝરાયેલી મેડિકલ સર્વિસના મેગન ડેવિડ એડોમે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ઘાયલોમાંથી છની હાલત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે ગોળીબાર શરૂૂ થયા પછી તરત જ બે હુમલાખોરો માર્યા ગયા. જેરુસલેમના ઉત્તરીય પ્રવેશદ્વાર પર એક મુખ્ય આંતરછેદ પર ગોળીબાર થયો, જે પૂર્વ જેરુસલેમ સ્થિત યહૂદી વસાહતો તરફ જતો રસ્તો છે.
સુરક્ષા અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેરુસલેમના રામોટ જંકશન પર ગોળીબાર કરનારા આતંકવાદીઓ પશ્ચિમ કાંઠાના પેલેસ્ટિનિયન છે. બંને આતંકવાદીઓ રામલ્લાહ વિસ્તારના ગામડાઓમાંથી આવ્યા હોવાનું માનવામાં આવે છે. ઇઝરાયેલી સુરક્ષા અધિકારીઓ હજુ પણ તેમની ઓળખની તપાસ કરી રહ્યા છે.હુમલાના સીસીટીવી ફૂટેજમાં સવારે બસ સ્ટોપ પરથી ડઝનબંધ લોકો ભાગતા દેખાઈ રહ્યા હતા. ગોળીબારને કારણે આ વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી અને કાચ વિખેરાઈ ગયા હતા. ઘાયલ થયા પછી લોકો રસ્તા અને ફૂટપાથ પર બેભાન હાલતમાં પડ્યા હતા.