અમેરિકામાં યહૂદી કાર્યક્રમમાં આતંકવાદી હુમલો, 6 ઘવાયા
અમેરિકાના કોલોરાડોમાં એક યહૂદી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિનો હુમલો. મોલોટોવ કોકટેલ્સ (જ્વલનશીલ પદાર્થથી ભરેલી બોટલ) થી આ હુમલામાં લગભગ 6 લોકો બળી ગયા છે. એવું જાણવા મળ્યું છે કે હુમલાખોર આ સમય દરમિયાન ફ્રી પેલેસ્ટાઇન જેવા નારા લગાવી રહ્યો હતો. હાલમાં, પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. ઋઇઈં એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ તેને આતંકવાદી ઘટના ગણાવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝરાયલી બંધકોની યાદમાં કોલોરાડોના બોલ્ડરમાં એક જૂથ એકત્ર થયું હતું. તે દરમિયાન એક વ્યક્તિએ ભીડ પર મોલોટોવ કોકટેલ ફેંકી. તેણે ફ્લેમથ્રોવરથી પણ હુમલો કર્યો. હુમલાખોરની ઓળખ મોહમ્મદ સાબરી સુલેમાન તરીકે થઈ છે.
એવું જાણવા મળ્યું છે કે ભીડ પર હુમલો કરતી વખતે હુમલાખોર ફ્રી પેલેસ્ટાઇનના નારા લગાવી રહ્યો હતો.
બોલ્ડર પોલીસ ચીફ સ્ટીફન રેડફર્ને કહ્યું છે કે એક વ્યક્તિ હથિયાર સાથે ફરતો અને લોકોને સળગાવતો હોવાની માહિતી મળતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલામાં ઘાયલ થયેલા તમામ 6 લોકોની ઉંમર 67 થી 88 વર્ષની વચ્ચે છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક દર્દીની હાલત ગંભીર છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
હાલમાં પોલીસે હુમલાખોર વિશે વધુ માહિતી આપી નથી. એવું માનવામાં આવે છે કે તેણે એકલા જ આ ઘટનાને અંજામ આપ્યો છે અને ઘટનાસ્થળે અન્ય કોઈ શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો નથી. ખાસ વાત એ છે કે તે પોતે આ હુમલામાં ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેને કેટલી ઈજાઓ થઈ છે તે સ્પષ્ટ નથી. પ્રારંભિક માહિતીના આધારે, આ આતંકવાદી ઘટનાની તપાસ વૈચારિક રીતે પ્રેરિત હિંસાની ઘટના તરીકે કરવામાં આવી રહી છે.