મોસ્કોમાં ટેરર એટેક: ઉછીનો કજિયો લેવાનું કરૂણ પરિણામ
રશિયાની રાજધાની મોસ્કો પાસેના ક્રાસ્નોગોર્સ્કીમાં આવેલા ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ હુમલામાં 150થી વધારેનાં મોત થયાં છે અને અને 100થી વધુ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ઘણાંની હાલત અત્યંત ગંભીર છે એ જોતાં મોતનો આંક ધીરે ધીરે 200ના આંકડાને પાર કરી જશે એવું લાગે છે. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસે લીધી છે. તેના કારણે જિહાદના નામે આતંકવાદ ફેલાવતા કટ્ટરવાદી મુસ્લિમોનો આતંકવાદ કેવી તબાહી વેરી શકે છે તેનો વધુ એક નમૂનો દુનિયાને જોવા મળ્યો છે. આ હુમલો થયો ત્યારે પહેલાં તો યુક્રેને હુમલો કરાવ્યો એવી જ આશંકા હતી. બલ્કે રશિયાના ભૂતપૂર્વ પ્રમુખ અને વર્તમાન પ્રમુખ વ્લાદિમિર પુતિનના ખાસ માણસ મનાતા મેડવેડેવે તો યુક્રેન સામે આંગળી પણ ચીંધી દીધેલી. યુક્રેને પોતે ઈન્કાર કર્યો અને પછી અમેરિકાએ પણ કહ્યું કે, મોસ્કોમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં યુક્રેનની ભૂમિકાના કોઇ પ્રારંભિક સંકેત મળ્યા નથી. યુનાઈટેડ નેશન્સના પ્રવક્તા જ્હોન કિર્બીએ પણ આ ગોળીબારમાં યુક્રેન કે યુક્રેનના કોઈ પણ લોકો સંડોવાયેલા હોવાના કોઈ સંકેત નથી એવું કહ્યું પછી પણ મેડવેડેવ પોતાની વાતને વળગી રહેલા.
એ તો આઈએસઆઈએસે જવાબદારી સ્વીકારી પછી યુક્રેન પરથી શંકા દૂર થઈ. બાકી પુતિન આ હુમલાનો બદલો લેવા માટે યુક્રેન પર ધડબડાટી બોલાવી દેત. આઈએસઆઈએસે રશિયાને પરચો આપ્યો તેનું કારણ સીરિયામાં રશિયન લશ્કરની દખલગીરી છે. અમેરિકા આરબ રાષ્ટ્રો પર પોતાનો અંકુશ જમાવવા સતત મથ્યા કરે છે. તેની આ મનસા પૂરી કરવામાં સીરિયા, લિબિયા, ઈરાક, ઈરાન, તુર્કી વગેરે દેશો અવરોધરૂૂપ છે. અમેરિકાએ આ દેશોમાં પોતાની કઠપૂતળી સરકારો બેસાડવા 2008માં મોટી ગેઈમ ખેલીને સોશિયલ મીડિયામાં આ દેશોની સરકારો સામે ભયંકર આક્રોશ અને અસંતોષ પેદા કરીને લોકોને રસ્તા પર લાવી દીધેલાં. લિબિયાના કર્નલ મુઅમ્મર ગદ્દાફી સહિત કેટલાય સરમુખત્યારોને લોકોએ ઉખાડીને ફેંકી દીધા. આરબ સ્પ્રિંગ તરીકે જાણીતી આ ક્રાંતિની અસર સીરિયામાં પણ થઈ. સીરિયામાં વરસોથી જામેલા બશર અલ-અસદને ઘરભેગો કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા. આ પહેલાં 2006માં ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક અને સીરિયા (આઈએસઆઈએસ) સ્થપાયેલું કે જેનો ઉદ્દેશ આખી દુનિયામાં સુન્ની મુસ્લિમ શાસન સ્થાપવાનો છે. રશિયન લશ્કરે આઈએસઆઈએસને કચડી નાંખવા કેમિકલ વેપન્સ અને બેરલ બોમ્બનો ઉપયોગ બેફામ રીતે કર્યો તેમાં નિર્દોષ લોકો પણ મરાયાં. મોસ્કો હુમલો એ એક્શનનું રીએક્શન છે.