ફરી ટેન્શન: જરૂર પડ્યે ઈરાન પર હુમલાની ટ્રમ્પની ધમકી
વાટાઘાટોને કોઈ સ્થાન નહીં હોવાની ઈરાનની સફાઈ બાદ ટ્રમ્પ બગડ્યા, તહેરાનના યુરેનિયમના કાર્યક્રમ અંગે વ્યક્ત કરી ચિંતા
ઇઝરાયેલ-ઇરાન વચ્ચે યુધ્ધવિરામ થયો છે, પણ શાબ્દિક યુધ્ધ હજુ ચાલુ છે. ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે અમેરિકાએ પરમાણું મથકો પર હુમલા કરી સ્થિતિ બગાડી છે. આનાથી બન્ને દેશો વચ્ચે કરાર થવાની શકયતાને નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે વાતચીત શરૂ કરવા અમારી વચ્ચે કોઇ કરાર નથી કે સમય નક્કી કરવામાં આવ્યો નથી. બીજી બાજુ, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું છે કે ઈરાનના પરમાણુ સ્થળોનો હવાઈ હુમલા દ્વારા સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા છે. જો જરૂૂર પડશે તો અમે ફરી ઈરાન પર હુમલો કરવામાં ખચકાઈશું નહીં. જો ઈરાન ભવિષ્યમાં ફરી સંવેદનશીલ પ્રવૃત્તિઓ ફરી શરૂૂ કરશે તો અમેરિકા તેના પર એટેક કરશે.
ટ્રમ્પે એ દાવાઓને પણ ફગાવી દીધા હતા કે ઈરાનના પરમાણુ સ્થળોને એટલું નુકસાન થયું નથી જેટલો તે દાવો કરી રહ્યા હતા. તેમણે આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી અથવા અન્ય કોઈ પ્રતિષ્ઠિત સ્ત્રોત દ્વારા ઈરાનના પરમાણુ સ્થળોના નિરીક્ષણને સમર્થન આપ્યું છે. આ દરમિયાન ટ્રમ્પ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ 15 દિવસમાં સમાપ્ત થઈ જશે. અમેરિકનપ્રમુખ ટ્રમ્પ અને ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ગાઝામાં યુદ્ધ બંધ કરવા અને અબ્રાહમ એકોર્ડનો વિસ્તાર કરવા સંમત થયા છે. યુએઈ અને ઇજિપ્તના સહયોગથી ઈઝરાયલના નેતૃત્વમાં ગાઝામાં સરકાર ચલાવવાની પણ વાત થઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું જો ઈરાન ચિંતાજનક સ્તર સુધી યુરેનિયમ સંવર્ધન કરશે તો તો અમારા માટે ચિંતાનો વિષય છે.
ડેડી પાસે દોડી જવા સિવાય ઇઝરાયેલ પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો: ઇરાનનો કટાક્ષ
ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ગઇકાલે માંગ કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ દેશના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેની પર કરેલા અપમાનજનક અને અસ્વીકાર્ય કટાક્ષને પાછો ખેંચે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ સોદો ઇચ્છવા માટે સાચા હોય, તો તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતા, ગ્રાન્ડ આયાતુલ્લા ખામેનીને લગતા અપમાનજનક અને અસ્વીકાર્ય સ્વરને બાજુ પર રાખવું જોઈએ અને તેમના લાખો હૃદયસ્પર્શી અનુયાયીઓને નુકસાન પહોંચાડવાનું બંધ કરવું જોઈએ. ઇઝરાયલની મજાક ઉડાવતા, અરાગચીએ કહ્યું કે યહૂદી રાજ્ય પાસે પપ્પા પાસે દોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, ટ્રમ્પનો ઉલ્લેખ, જેમણે અમેરિકા દ્વારા ત્રણ મુખ્ય ઈરાની પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યાના એક દિવસ પછી એશિયન હરીફો વચ્ચે શાંતિ યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી.