ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચની સેમિફાઈનલમાં શાનદાર એન્ટ્રી
શુક્રવારે જર્મનીના લેક્ઝાન્ડર ઝવેરેવ સાથે ટકરાશે
દસ વખતનો ચેમ્પિયન નોવાક જોકોવિચ ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ઓપનમાં ખિતાબની નજીક પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયન ઓપન 2025ની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નોવાક જોકોવિચે સ્પેનના કાર્લોસ અલ્કારાજને હરાવીને સેમી ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી છે. સેમી ફાઈનલ 24મી જાન્યુઆરીએ યોજાશે જેમાં તેનો સામનો જર્મનીના લેક્ઝાન્ડર ઝવેરેવ સાથે થશે. આ મેચનો પહેલો સેટ કાર્લોસ અલ્કારાજના નામે હતો. તેણે આ સેટ 6-4થી જીત્યો હતો. આ સેટમાં એક સમયે નોવાક જોકોવિચ 4-3થી આગળ હતો, પરંતુ આ પછી કાર્લોસ અલ્કારાઝે જોરદાર રમત બતાવી અને સેટ જીતી લીધો. આ પછી મેચમાં નોવાક જોકોવિચનું જોરદાર કમબેક જોવા મળ્યું હતું. નોવાક જોકોવિચે બીજો સેટ 6-4થી જીત્યો હતો. આ સાથે જ નોવાક જોકોવિચે ત્રીજો સેટ 6-3થી જીતીને મેચમાં 2-1ની લીડ મેળવી હતી.
આ પછી તેણે ચોથા સેટમાં કાર્લોસ અલ્કારાઝને 6-4થી હરાવ્યો અને મેચ 3-1થી જીતી લીધી. નોવાક જોકોવિચે અત્યાર સુધીમાં 24 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે અને ફાઈનલ જીતવાની સાથે જ તે 25મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતી લેશે. નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચે આ 8મી ટક્કર હતી. જોકોવિચ 5મી વખત કાર્લોસ અલ્કારાઝને હરાવવામાં સફળ રહ્યો હતો. એટલે કે નોવાક જોકોવિચે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે.