ભારત પર ટેરિફથી રશિયાના અર્થતંત્રને ફટકો: પુતિન પર નિશાન સાધતા ટ્રમ્પ
અલાસ્કામાં વાતચીત પહેલા ડંફાસ: ભારત-પાક. સહિત પાંચ યુધ્ધ રોક્યાનો પોપટપાઠ
આગામી અઠવાડિયે અલાસ્કામાં યોજાનારી બેઠક પહેલા, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર નિશાન સાધ્યું છે. તેમણે સોમવારે કહ્યું હતું કે રશિયન તેલ ખરીદવા માટે ભારત પર લાદવામાં આવેલા યુએસ ટેરિફથી પહેલાથી જ સંઘર્ષ કરી રહેલા મોસ્કો અર્થતંત્રને ભારે ફટકો પડ્યો છે. ટ્રમ્પે ભારતને રશિયાનો સૌથી મોટો અથવા બીજો સૌથી મોટો તેલ ખરીદનાર ગણાવ્યો. વ્હાઇટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઘણા દેશો પર યુએસ ટેરિફ લાદવાથી ચાલી રહેલા વૈશ્વિક દબાણથી રશિયાની અર્થવ્યવસ્થા ગંભીર રીતે પ્રભાવિત થઈ છે.
તેમણે કહ્યું, મને લાગે છે કે રશિયાએ પોતાના દેશનું નિર્માણ કરવાનું શરૂૂ કરવું જોઈએ. તે એક વિશાળ દેશ છે... રશિયા પાસે સારું કરવાની અપાર ક્ષમતા છે. તેઓ સારું કરી રહ્યા નથી. તેમની અર્થવ્યવસ્થા હાલમાં સારી રીતે ચાલી રહી નથી કારણ કે તેના પર આનાથી ખરાબ અસર પડી છે. ભારતનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ તેમના સૌથી મોટા અથવા બીજા સૌથી મોટા તેલ ખરીદનારને કહે છે કે જો તમે રશિયા પાસેથી તેલ ખરીદો છો, તો અમે તમારા પર 50 ટકા ડ્યુટી લાદીશું, તો તે એક મોટો આંચકો છે.
ટ્રમ્પ શુક્રવારે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળશે, જ્યાં તેઓ અર્થપૂર્ણ વાતચીતની આશા રાખે છે. તેમણે કહ્યું કે તેઓ બેઠક પછી યુરોપિયન નેતાઓ સાથે વાત કરશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે તેમણે વ્હાઇટ હાઉસમાં તેમના બીજા કાર્યકાળમાં અત્યાર સુધીમાં પાંચ યુદ્ધો ઉકેલ્યા છે અને ફરીથી દાવો કર્યો હતો કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો છે.