રૂા.17.8 કરોડના કોકેન સાથે તાંઝાનિયાની મહિલા ઝડપાઈ
મુંબઈડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ના મુંબઈ ઝોનલ યુનિટે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કોકેનની દાણચોરીનો એક મોટો પ્રયાસ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો છે. DRI અધિકારીઓએ તાંઝાનિયાની એક મહિલા મુસાફર પાસેથી 1,718 ગ્રામ કોકેન જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં આશરે ₹17.18 કરોડ કિંમત આંકવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ મહિલા મુસાફર યુગાન્ડાના એન્ટેબેથી મુંબઈ આવી હતી. DRI ને બાતમી મળતાં જ અધિકારીઓએ એરપોર્ટ પર સઘન તપાસ શરૂૂ કરી હતી. તપાસ દરમિયાન, મહિલાની બેગમાંથી એક શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. વધુ પૂછપરછ અને તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે મહિલાએ કોકેન ભરેલા બે કેપ્સ્યુલ પણ ગળી લીધા હતા.
લેબોરેટરી પરીક્ષણોમાં જપ્ત કરાયેલ પદાર્થ ખરેખર કોકેન હોવાની પુષ્ટિ થઈ હતી, જેના પગલે તેને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત કલમો હેઠળ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ DRI એ તાત્કાલિક મહિલા મુસાફરની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે.