25% પેનલ્ટી ટેરિફ ઘટાડો પછી જ વાતચીત: ભારતનો વળતો ઘા
અમેરિકા સાથે વર્ષો સુધી ચાલેલી ટ્રેડ વાટાઘાટો અટકાવી દેવાઇ, કૃષિ-ઇન્ફોર્મેશન ટેકનોલોજી-દવાઓ- ઉર્જા ક્ષેત્રને લગતા મુદ્દાઓને લઇને વેપાર કરાર પર કોઇ મંત્રણા નહીં થાય
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર વાટાઘાટો ફરી એકવાર સંકટમાં પડી ગઈ છે. ભારત ટ્રમ્પની દબાણ વ્યૂહરચના સામે ઝૂકવાનું નથી. ભારત તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી અમેરિકા વધારાની 25 ટકા ડ્યુટી દૂર નહીં કરે ત્યાં સુધી કોઈ વાતચીત થશે નહીં. એક અખબારે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને એક અહેવાલમાં આ માહિતી આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, યુએસ પ્રતિનિધિમંડળ 25 ઓગસ્ટે નવી દિલ્હી આવવાનું હતું અને વાટાઘાટો ચાલુ રાખવાનું હતું, પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક આ કાર્યક્રમ બંધ કરી દીધો. ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીને એક મોટી અડચણ ગણાવી અને કહ્યું કે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાય નહીં ત્યાં સુધી કોઈ વેપાર કરાર શક્ય નથી.
અધિકારીએ કહ્યું કે સરકાર અમેરિકા સાથે વાતચીત ચાલુ રાખી રહી છે અને ફક્ત 25 ઓગસ્ટે થનારી વાટાઘાટો મુલતવી રાખવામાં આવી છે. અધિકારીએ કહ્યું, અમે હાલમાં વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા નથી, પરંતુ હજુ પણ વાતચીત ચાલી રહી છે. કરાર પર વાટાઘાટો કરવા માટે, પહેલા વધારાની 25 ટકા ડ્યુટી પર વિચાર કરવો પડશે. કારણ કે જો આપણે વેપાર કરાર કરીએ અને વધારાની ડ્યુટી હજુ પણ ચાલુ રહે, તો આપણા નિકાસકારો માટે તેનો કોઈ અર્થ રહેશે નહીં.
ટ્રમ્પે 6 ઓગસ્ટે જાહેરાત કરી હતી કે રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલ આયાત પર વધારાની 25 ટકા ડ્યુટી લાદવામાં આવશે. તેમણે કહ્યું હતું કે ભારતનું આ પગલું અમેરિકન હિતોની વિરુદ્ધ છે અને તેનાથી બંને દેશો વચ્ચે સંતુલિત વેપાર કરારની શક્યતાઓ પર અસર પડી છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વેપાર કરાર માટે પ્રયાસો ચાલી રહ્યા છે. વાટાઘાટોના અનેક રાઉન્ડમાં કૃષિ, માહિતી ટેકનોલોજી, દવાઓ અને ઉર્જા ક્ષેત્રને લગતા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. જોકે, ટેરિફ અને આયાત-નિકાસની શરતો પર મતભેદોને કારણે આ કરાર ઘણીવાર અટકી ગયો છે. 2019 માં જ્યારે અમેરિકાએ ભારતને જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સની યાદીમાંથી બાકાત રાખ્યું ત્યારે બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ પણ વધ્યો. આ પછી, ભારતે પણ અમેરિકન ઉત્પાદનો પર બદલો લેવા માટે ટેરિફ લાદ્યો.
અમેરિકાની ઐસીતૈસી, ભારત 20 ટકા વધુ રશિયન ઓઇલ ખરીદશે
અમેરિકન ધમકીઓનો ભારત પર બહુ પ્રભાવ પડતો નથી. એવું જાણવા મળ્યું છે કે ભારતે સપ્ટેમ્બરમાં રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી છે. જોકે, સરકાર અથવા ભારતીય રિફાઇનરીઓ દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર દંડ લાદ્યો છે.
રોઇટર્સ સાથે વાત કરતા, તેલ ખરીદી પ્રક્રિયા સાથે સંકળાયેલા ત્રણ સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતીય રિફાઇનરીઓ ઓગસ્ટની તુલનામાં સપ્ટેમ્બરમાં 10 થી 20 ટકા વધુ અથવા રશિયન તેલ ખરીદશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ખરીદી 1 લાખ 50 હજારથી વધીને 3 લાખ બેરલ પ્રતિ દિવસ થઈ શકે છે.
રિપોર્ટ અનુસાર, રશિયા પાસે આવતા મહિને વેચવા માટે વધુ તેલ ઉપલબ્ધ હશે. તેનું કારણ એ છે કે પૂર્વ-આયોજિત અને અચાનક વિક્ષેપોને કારણે રશિયન રિફાઇનરોની ક્રૂડ ઓઇલને ઇંધણમાં રૂૂપાંતરિત કરવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. તે જ સમયે, ચાલુ યુદ્ધ દરમિયાન, યુક્રેન દ્વારા તાજેતરના સમયમાં રશિયાની 10 રિફાઇનરીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ડેટા દર્શાવે છે કે આના કારણે, રશિયાની તેલ રિફાઇનિંગ ક્ષમતા પર 17 ટકા અસર પડી છે.