ટ્રમ્પને પ્રતિકાત્મક સજા: ન્યાયતંત્ર લોકશાહી દેશોમાં પણ સત્તાધીશો સામે લાચાર છે
અમેરિકાના પ્રમુખપદે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પની તાજપોશીના 10 દિવસ પહેલાં જ પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીને મોં બંધ રાખવા માટે નાણાં ચૂકવવાના કેસનો ચુકાદો આવવાનો હતો તેથી આખી દુનિયામાં ભારે ઉત્તેજના હતી. ટ્રમ્પને સજા થશે, જેલમાં જવું પડશે, ટ્રમ્પની તાજપોશી લટકી જશે સહિતના અનેક સવાલો પુછાતા હતા. શુક્રવારે આ કેસનો ચુકાદો આવી ગયો ને સાદી ભાષામાં કહીએ તો ઘીના ઠામમાં ઘી પડી ગયું. ના સાપ મર્યો ના લાઠી તૂટી એવો ચુકાદો આપીને ન્યૂ યોર્કની મેનહટન કોર્ટે કુલડીમાં ગોળ ભાંગી દીધો.
મેનહટન કોર્ટે સ્ટોર્મીને ચૂપ કરાવવા નાણાં ચૂકવવાના કેસને લગતા 34 આરોપોમાં દોષિત ઠેરવીને સજા ફટકારી, પણ આ અનોખી સજામાં ટ્રમ્પે કોઈ સજા ભોગવવાની નથી કે એક પાઈનો દંડ ચૂકવવાનો નથી. ટ્રમ્પને આપવામાં આવેલી સજા ફક્ત પ્રતીકાત્મક છે. મતલબ કે ટ્રમ્પ ન તો જેલમાં જશે અને ન તો તેમણે કોઈ દંડ ભરવો પડશે.
આપણે અમેરિકા સહિતના દેશોના ન્યાયતંત્રનાં વખાણ કરીએ છીએ અને ભારતમાં ન્યાયતંત્ર સાવ ખાડે ગયું છે એવો બળાપો કાઢીએ છીએ, પણ આ ચુકાદો સાંભળ્યા પછી લાગે કે, કાગડા બધે કાળા છે. ભારત હોય કે અમેરિકા, ન્યાયના નામે નાટક બધે થાય છે. આપણે ત્યાં વધારે થતાં હશે, પણ અમેરિકામાં સાવ થતાં નથી એવું નથી. ટ્રમ્પ સામેનો આખો કેસ જ તેનો પુરાવો છે.
ટ્રમ્પ સામેના કેસની વિગતોમાં ઊંડા ઊતરતા નથી, પણ આ કેસને પછી આશ્ચર્યજનક રીતે લંબાવવામાં આવ્યો. ટ્રમ્પના કેસમાં દલીલો પતી ગયેલી હતી તેથી ગયા વર્ષે જુલાઈમાં જ તેમને સજા સંભળાવવાની હતી. ટ્રમ્પને એ વખતે સજા થઈ હોત તો કદાચ ચૂંટણી પર તેની અસર થઈ હોત, પણ જજ વારંવાર સજા મુલતવી રાખતા રહ્યા અને ચૂંટણી પતી જવા દીધી.
ટ્રમ્પને સજા થઈ હોત તોપણ તેમની પાસે તેની સામે અપીલ કરવાનો વિકલ્પ હતો. એ દરમિયાન પ્રમુખ બની ગયા હોત તો તેમની સામેનો કેસ ઊડી જવાનો હતો. આ સંજોગોમાં જુલાઈમાં જ ચુકાદો આપીને અમેરિકાની પ્રજાને નિર્ણય લેવા દેવો જોઈતો હતો કે, એક દોષિત વ્યક્તિને અમેરિકનો પ્રમુખ તરીકે સ્વીકારે છે કે નહીં? કોર્ટે એવું નહીં કરીને સજા મોકૂફ રાખીને ટ્રમ્પને ફાયદો કરાવી દીધો.