સુરતના યુવાનની કેનેડામાં હત્યા, મૃતદેહ લાવવા ક્રાઉડફન્ડિંગ શરૂ
સુરતના એક યુવકની કેનેડામાં ચાકૂ મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે, પ્રાપ્ત વિગતો અનુસાર આ યુવકનું નામ ધર્મેશ કથિરિયા હોવાનું બહાર આવ્યું છે જેની ઉંમર માત્ર 29 વર્ષ હતી. શુક્રવારે એટલે કે એપ્રિલ 04ના રોજ બપોરે બનેલી આ ઘટનામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ધર્મેશને ચાકૂ મારી દેવામાં આવ્યું હતું, તેની હત્યા કરવાનો જેના પર આરોપ છે તે વ્યક્તિને પોલીસે અરેસ્ટ કરી લીધો છે, પરંતુ ધર્મેશની હત્યા પાછળનો ઉદ્દેશ શું હતો તેમજ આરોપી કોણ છે તે અંગે કોઈ માહિતી હજુ સુધી શેર કરવામાં નથી આવી.
જોકે, તેના પરિવારને મદદ કરવા માટે હાલ જે ક્રાઉડફન્ડિંગ શરૂૂ કરવામાં આવ્યું છે તેના પેજ પર અપાયેલી માહિતી અનુસાર ધર્મેશ પર તેના જ પાડોશીએ અટેક કર્યો હતો અને આ અટેકને હેટ ક્રાઈમ પણ ગણાવાઈ રહ્યો છે. મતલબ કે ધર્મેશ કેનેડામાં રેસિઝમ અથવા હેટ ક્રાઈમનો શિકાર બન્યો છે, પરંતુ કેનેડાની પોલીસ તપાસ પૂરી ના થાય તે પહેલા આ અંગે કશુંય બોલવા તૈયાર નથી.
ધર્મેશના થોડા સમય પહેલા જ લગ્ન થયા હતા, પરંતુ તેની પત્ની કેનેડામાં જ રહે છે કે કેમ તેની કોઈ માહિતી નથી મળી શકી. ધર્મેશ માટે 18 હજાર કેનેડિયન ડોલર ભેગા કરવાનો ટાર્ગેટ છે જેમાંથી 16 હજાર ડોલરથી પણ વધુની રકમ ભેગી થઈ ચૂકી છે.
મૃતક ધર્મેશ 2019માં સ્ટૂડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો અને હાલ તે વર્ક પરમિટ પર હતો, તે મિલાનો પિઝેરિઆ નામની એક રેસ્ટોરાંમાં મેનેજર તરીકે કામ કરતો હતો, જે ઓન્ટારિયોની રસેલ કાઉન્ટીના રોકલેન્ડમાં લોરિએર સ્ટ્રીટમાં આવેલી છે. ધર્મેશ પર જે સમયે અટેક થયો ત્યારે તે ઘરે હતો કે જોબ પર તેની ચોખવટ નથી થઈ શકી.