કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતના મહિલા પ્રોડ્યુસર ચંદા પટેલની રેડ કાર્પેટ વોક
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલિવૂડથી લઈને હોલીવુડ સુધીની ઘણી હસ્તીઓએ ભાગ લીધો અને પોતપોતાની અદાઓથી ચર્ચાઓમાં આવી ગયા. ત્યારે હવે સુરતની પ્રથમ મહિલા પ્રોડ્યુસર ચંદા પટેલનો પણ રેડ કાર્પેટનો વીડિયો સામે આવ્યો છે.
78મા આંતરરાષ્ટ્રીય કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સુરતની પ્રથમ મહિલા પ્રોડ્યુસર ચંદા પટેલ પહોંચ્યા હતા, અને થાઈ હાઈ સ્લીટ ગોલ્ડન ગાઉનમાં રેડ કાર્પેટ પર વોક કરી હતી. ઓફ શોલ્ડર ગાઉન સાથે તેમણે ખુલ્લા વાળ અને લાંબી ઇયરિંગ સાથે મિનીમલ જ્વેલરી લૂક રાખ્યો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ ચંદા પટેલે આ ફેસ્ટિવલમાં તેમની આગામી ફિલ્મ તેરા મેરા નાતાની જાહેરાત કરી અને ફિલ્મનું પહેલું પોસ્ટર પણ જાહેર કર્યું હતું, જેની ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ફિલ્મનું પોસ્ટર જાહેર કરતી વખતે ચંદા પટેલે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું કે કાન્સમાં અમારી ફિલ્મનું પોસ્ટર રજૂ કરવું એ એક સપનું સાકાર થવા જેવું છે. અમે તેરા મેરા નાતામાં અમારો જીવ નાખી દીધો છે અને વૈશ્વિક મંચ પર તેની પ્રથમ ઝલક શેર કરવી એ અમારી આખી ટીમ માટે ગર્વની ક્ષણ છે.
આ પહેલા પણ ચંદા પટેલ ઘણી શાનદાર ફિલ્મો પ્રોડ્યુસ કરીને ચર્ચાઓમાં આવ્યા છે, જેમાં આઈ એમ નોટ અ પોર્ન સ્ટારનો પણ સમાવેશ થાય છે. તેરા મેરા નાતા વિશે વાત કરીએ તો, તે એક હૃદયસ્પર્શી રોમેન્ટિક ડ્રામા છે, જે પ્રેમ, નસીબ અને ઇમોશનલ કનેક્શનથી જોડાયેલા બે લોકોની વાર્તા છે. આ આંતરરાષ્ટ્રીય રિલીઝ સાથે, તેરા મેરા નાતા હવે ટૂંક સમયમાં રિલીઝ થનારી સૌથી અપેક્ષિત ભારતીય ફિલ્મોમાંની એક છે.