બાંગ્લાદેશનો સુપર ચાહક ‘ટાઇગર’ બિમાર પડી ગયો
ઝપાઝપીના કારણે ઘવાયાની અફ્વા ઊડી હતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે શુક્રવારે ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશના એક પ્રશંસકને બીમાર પડવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને શરૂૂઆતમાં ઝપાઝપી તરીકે ગણવામાં આવી હતી કારણ કે ચાહકે સૂચવ્યું હતું કે તે ઝપાઝપીમાં સામેલ હતો. પરંતુ હવે કાનપુર પોલીસે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. આ ફેન પોતાને સુપર ફેન રોબી કહી રહ્યો હતો. ઘટના સમયે તેણે વાઘનો પોશાક પહેર્યો હતો અને તે સ્ટેન્ડ-સીમાં બેઠો હતો.
જો કે, બાદમાં તેણે તેના હોસ્પિટલના પલંગ પરથી જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તે અસ્વસ્થતા અનુભવી રહ્યો છે અને તેને સ્થાનિક પોલીસ પાસેથી જરૂૂરી મદદ મળી છે. તેણે એક ટૂંકી વિડિયો ક્લિપમાં કહ્યું, હું બીમાર પડી ગયો હતો અને પોલીસ મને હોસ્પિટલમાં લાવી હતી, હવે હું ખૂબ સારું અનુભવું છું. મારું નામ રોબી છે અને હું બાંગ્લાદેશથી આવું છું. આ અંગે એસીપી અભિષેક પાંડેએ જણાવ્યું હતું કે રોબીને તાત્કાલિક તબીબી સંભાળ મળી હતી. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રારંભિક અહેવાલોમાં આરોપ મુજબ તેના પર હુમલો કરવામાં આવ્યો ન હતો. અધિકારીએ કહ્યું, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન દર્શકોમાંથી એક, જેનું નામ ટાઈગર છે, અચાનક બીમાર પડી ગયો હતો. તે બીમાર પડતાની સાથે જ પોલીસે તેને સારવાર માટે મેડિકલ ટીમમાં મોકલી દીધો હતો. તે હવે ઠીક છે.