બાંગ્લાદેશમાં અંધાધૂંધી આર્મી સરકાર સ્વીકારવા છાત્રોનો ઈનકાર
વચગાળાની સરકાર રચવા આર્મીની કવાયત, પી.એમ.તરીકે મોહમ્મદ યુનુસનું નામ
શેખ હસીના પરત રાજકારણમાં નહીં જાય, અમેરિકામાં સેટલ થશે: પુત્રની જાહેરાત
ભારતના પાડોશી દેશી બાંગ્લાદેશમાં ફાટી નીકળેલા તોફાનોના પગલે ગઈકાલે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભાગીને ભારત આવી ગયા છે અને હાલ તેઓને દિલ્હી નજીક ગાઝીયાબાદના હિંડન એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યા છે. બીજી તરફ બાંગ્લાદેશમાં વચગાળાની રખેવાળ સરકાર રચવાની ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે અને વચગાળાના પીએમ તરીકે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસના નામ પર સહમતી સધાઈ હોવાનું જણાવાઈ રહ્યું છે.
બીજી તરફ શેખ હસીના હવે બાંગ્લાદેશનાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લેશે અને અમેરિકામાં તેના પુત્ર સાથે સ્થાયી થશે તેવું શેખ હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોયે જાહેર કર્યું છે. જ્યારે શેખ હસીનાને ઉથલાવનાર વિદ્યાર્થી સંગઠને આર્મી સરકારને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે.
આ ઉપરાંત સૈન્યને સમર્પિત કે સૈન્યના ટેકાવાળી સરકાર સ્વિકારવાની પણ વિદ્યાર્થી સંગઠનોએ ના પાડી દેતા મોહમ્મદ યુનુસની રખેવાળ સરકાર બનવા અંગે પણ શંકા ઉભી થઈ છે.
બાંગ્લાદેશમાંથી શેખ હસીનાના પલાયન બાદ તોફાની ઓએ પી.એમ.હાઉસ, સંસદ અને શેખ હસીનાની પાર્ટીના કાર્યાલય સહિતના સ્થળોએ ઘુસી જઈ ઉત્પાત મચાવ્યો હતો અને ભારે તોડફોડ તથા લુંટફાટ કરી હતી. તોફાનીઓએ બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા મુઝબીર રહેમાનની પ્રતિમા ઉપર ચડી જઈ તોડફોડ કરી હતી. દેશભરમાં વિદ્યાર્થીઓ રીતસર આતંક મચાવી રહ્યા છે અને સમગ્ર દેશમાં અંધાધુંધી જેવી સ્થિતિ જોવા મળે છે.
વડાપ્રધાને તાકીદે યોજી સર્વેપક્ષીય બેઠક
બાંગ્લાદેશમાં સર્જાયેલ રાજકીય અસ્થિરતાના પગલે ગત મોડી રાત સુધી વડાપ્રધાને ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, એન.એસ.એ. અજીત ડોભાલ, વિદેશમંત્રી જયશંકર સહિતના ટોચના નેતાઓ સાથે બેઠક યોજ્યા બાદ આજે સવારે બાંગ્લાદેશની સ્થિતિ અંગે ચર્ચા કરવા વડાપ્રધાને તાકિદની સર્વપક્ષીય બેઠક યોજી છે. બાંગ્લાદેશમાં લાખો હિંદુઓ રહેતા હોય તેમને બચાવવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા થનાર છે.
પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાને જેલ મુકત કરવાનો આદેશ
બાંગ્લાદેશના રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન અને વિપક્ષી નેતા ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને આદેશ આપ્યો કે જેલમાં બંધ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યું અને તેમના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. એક અખબારી નિવેદન અનુસાર, વિરોધ પક્ષના સભ્યો સાથેની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શહાબુદ્દીને બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (ઇગઙ)ના અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાને તાત્કાલિક મુક્ત કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે. ખાલિદા ઝિયા મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા છે અને તેમને શેખ હસીનાના કટ્ટર હરીફ માનવામાં આવે છે.