મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભૂકંપના જોરદાર આંચકા, અનેક ઈમારતો ધરાશાયી, ભારત-બેંગકોક સુધી અસર
મ્યાનમાર અને થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 હતી. નિષ્ણાતોનું કહેવું છે કે બંને દેશોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમાર હોવાનું કહેવાય છે. ભૂકંપના કારણે બંને દેશોમાં કેટલું નુકસાન થયું છે તે હજુ જાણી શકાયું નથી. આ ભૂકંપ એટલો જોરદાર હતો કે, ભારતમાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ ઉત્તર પૂર્વના રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા.
https://x.com/PhoenixTV_News/status/1905518139686760770
ભૂકંપના જોરદાર આંચકાના કારણે બેંગકોક અને મ્યાનમારના શહેરોમાં મોટી મોટી ઈમારતો બોટની જેમ ધ્રૂજવા લાગી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં લોકો ચીસો પાડતા રસ્તા પર દોડી રહ્યા છે.
બેંગકોકમાં ઈમારત ધરાશાયી થવાના સમાચાર
ભૂકંપના કારણે બેંગકોકમાં એક ગગનચુંબી ઈમારત તૂટી પડવાના સમાચાર છે. રિપોર્ટ અનુસાર જે ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું હતું તે ભૂકંપ સામે ટકી શક્યું નથી. આ જ રીતે ભૂકંપ બાદ બીજા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભૂકંપ બાદ ગભરાટ જોવા મળી રહ્યો છે.
https://x.com/chinchat09/status/1905523478461030773
મળતી માહિતી મુજબ, મ્યાનમારના ભૂકંપની અસર ભારતમાં દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં પણ થઈ હતી. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્ય આસામ, મણિપુર, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં ભૂકંપના તેજ આંચકાનો નોંધાયા હતા. ભૂકંપનું કેન્દ્ર મ્યાનમારના Sagaing માં હોવાની માહિતી છે. ભૂકંપના આંચકાના કારણે મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પર આવેલો બ્રિજ ધસી પડ્યો હતો.
મ્યાનમાર અને ભારત સિવાય બેંગકોકમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. મ્યાનમારમાં પહેલીવાર 11:52 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો અને બાદમાં 12:02 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ઑફ જિયોસાયન્સ અનુસાર ભૂકંપનું કેન્દ્ર ધરતીની 10 કિ.મી નીચે હતું.
બેંગકોકના સ્થાનિક તંત્રનું કહેવું છે કે, ભૂકંપ એટલો જોરદાર હતો કે, સ્વિમિંગ પુલનું પાણી બહાર ઉછળવા લાગ્યું હતું. ડરના કારણે લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.