રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રશિયન કામચટકા દ્વીપકલ્પ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય સમય મુજબ રાત્રે 12:28 અને 12:38 વાગ્યે આંચકા અનુભવાયા હતા. 20 મિનિટના સમયગાળામાં બે ભૂકંપ આચંકા અનુભવાયા હતાં.
રશિયાના કામચટકા શહેરમાં પ્રથમ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. જ્યારે બીજો ભૂકંપ 6ની તીવ્રતાનો હતો. ભૂકંપ બાદ ઊંચા મોજા ઉછળ્યા અને સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. જોકે, અત્યાર સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી.
યુએસ જીઓલોજિકલ સર્વે (USGS) અહેવાલ આપે છે કે ભૂકંપનું કેન્દ્ર કામચટકા દ્વીપકલ્પના પૂર્વ કિનારા નજીક સપાટીથી આશરે 85 કિલોમીટર નીચે હતું. બીજા ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 30 કિલોમીટર નીચે હતું. રશિયાની સ્ટેટ જીઓફિઝિકલ સર્વિસ અનુસાર, ભૂકંપની તીવ્રતા 7.8 હતી અને ત્યારબાદ લગભગ પાંચ આફ્ટરશોક આવ્યા હતા. ભૂકંપ પછી તરત જ, યુએસ વેધર સર્વિસે સુનામી ચેતવણી જારી કરી, લોકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વિનંતી કરી.
એક અઠવાડિયામાં ત્રીજો ભૂકંપ
ગયા મહિનામાં રશિયાના કામચાટકામાં અનેક ભૂકંપ અનુભવાયા છે. ગયા અઠવાડિયામાં આ ત્રીજી વખત છે જ્યારે કામચાટકામાં જમીન ભૂકંપથી હચમચી છે. શુક્રવારે રાત્રે અહીં બે આંચકા અનુભવાયા હતા.