નૌટંકી બંધ કરો, મરેલા આતંકીઓની તસવીરો જોઇ લો: ભારતનો શરીફને જવાબ
યુએનની મહાસભામાં પાક. વડાપ્રધાને ભારતના 7 ફાઇટર તોડી પાડયાનો જવાબ આપતાં ભારતીય પ્રતિનિધિએ કહ્યું, એક તસવીર હજાર શબ્દો બોલે છે, મરેલા આતંકીઓને લશ્કરી અધિકારીઓએ શ્રધ્ધાંજલિ આપી તેમનું મહિમામંડન કર્યું
ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફના ભાષણનો આકરો જવાબ આપ્યો. ઇસ્લામાબાદ દ્વારા આતંકવાદને પ્રોત્સાહન અને તથ્યોને વિકૃત કરવાનો ખુલાસો થયો. ભારતના કાયમી મિશનના પ્રથમ સચિવ, પેટલ ગેહલોતે કહ્યું, સાહેબ, આજે સવારે આ સભામાં પાકિસ્તાનના વડા પ્રધાનના વાહિયાત નાટકો જોવા મળ્યા, જેમણે ફરી એકવાર આતંકવાદને મહિમા આપ્યો, જે તેમની વિદેશ નીતિનો મુખ્ય ભાગ છે. પરંતુ કોઈ નાટક અને કોઈ જુઠ્ઠાણું હકીકતોને છુપાવી શકતું નથી.
80મા સત્રની સામાન્ય ચર્ચા દરમિયાન શાહબાઝ શરીફે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે મે મહિનામાં ચાર દિવસ ચાલેલા સંઘર્ષ દરમિયાન સાત ભારતીય જેટને નુકસાન થયું હતું. વાયુસેનાના વડા અમરપ્રીત સિંહે ગયા મહિને કહ્યું હતું કે ભારતીય જેટ વિમાનોએ ઓપરેશન સિંદૂર દરમિયાન પાંચ પાકિસ્તાની ફાઇટર જેટ અને એક મોટા વિમાનને તોડી પાડ્યું હતું.
પેટલ ગેહલોતે કહ્યું, એક ચિત્ર હજાર શબ્દો બોલી જાય છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બહાવલપુર અને મુરીદકે આતંકવાદી સંકુલોમાં ભારતીય દળો દ્વારા માર્યા ગયેલા આતંકવાદીઓના અસંખ્ય ફોટોગ્રાફ્સ અમે જોયા. પાકિસ્તાનના વરિષ્ઠ લશ્કરી અને નાગરિક અધિકારીઓએ આવા કુખ્યાત આતંકવાદીઓનો જાહેરમાં મહિમા કર્યો અને તેમને શ્રદ્ધાંજલિ આપી. પાકિસ્તાનના વડા પ્રધાને ભારત સાથેના તાજેતરના સંઘર્ષનો અનોખો અહેવાલ પણ રજૂ કર્યો. આ બાબતે રેકોર્ડ એકદમ સ્પષ્ટ છે. 9 મે સુધી, પાકિસ્તાન ભારત પર વધુ હુમલાઓની ધમકી આપી રહ્યું હતું. જોકે, 10 મેના રોજ, સેનાએ સીધી અમને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી.
પેટલ ગેહલોતે વધુમાં કહ્યું, જે દેશ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન અને નિકાસ કરવાની પરંપરામાં ડૂબી ગયો છે તેને આવા હાસ્યાસ્પદ નિવેદનો આપવામાં કોઈ શરમ નથી. આપણે યાદ રાખવું જોઈએ કે તેણે એક દાયકાથી ઓસામા બિન લાદેનને આશ્રય આપ્યો હતો, જ્યારે તે આતંકવાદ સામેના યુદ્ધમાં ભાગીદાર હોવાનો ડોળ કરતો હતો. તેના મંત્રીઓએ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે તેઓ દાયકાઓથી આતંકવાદી શિબિરો ચલાવી રહ્યા છે.
ટ્રમ્પને માખણ મારતા પાક. વડાપ્રધાન
ભારતના સાત વિમાનોને તોડી પાડયાના દાવા સાથે પાક. વડાપ્રધાન શહબાઝે શરીફે પોતાના સંબોધનમાં ભારત સાથે વાતચીત અને કૂટનીતિ દ્વારા તમામ વિવાદોના શાંતિપૂર્ણ સમાધાન માટે સમગ્ર, વ્યાપક અને પરિણામલક્ષી વાર્તા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.આ ઉપરાંત, તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભરપેટ પ્રશંસા કરી હતી, અને દાવો કર્યો હતો કે ટ્રમ્પના પ્રયાસોએ દક્ષિણ એશિયામાં યુદ્ધ ટાળવામાં મદદ કરી. શરીફે કહ્યું કે પાકિસ્તાને ટ્રમ્પને તેમના અદભુત અને ઉત્કૃષ્ટ યોગદાન માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કર્યા છે.