કેનેડામાં શ્રીલંકન વિદ્યાર્થીએ ચાર બાળકો, માતા સહિત છને મોતને ઘાટ ઉતાર્યા
કેનેડાની રાજધાની ઓટાવામાં ગુરુવારે માતા અને ચાર નાના બાળકો સહિત છ શ્રીલંકાના લોકોની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું હતું કે હત્યા બાદ દેશમાં ચકચાર મચી ગઈ હતી કારણ કે કેનેડામાં આવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી નથી.
માર્યા ગયેલા લોકોમાં એક 35 વર્ષીય મહિલા, તેના 7, 4, 2 અને 2 મહિનાના બાળકો અને 40 વર્ષીય પુરુષ પણ હતો. હુમલામાં બાળકોના પિતા પણ ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એજન્સી અનુસાર, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ભયંકર દુર્ઘટના ગણાવી છે.
શ્રીલંકાના 19 વર્ષીય વિદ્યાર્થી ફેબ્રિસિયો ડી-ઝોયસાની ધરપકડ કરવામાં આવી છે અને તેની પર પ્રથમ-ડિગ્રી હત્યાના છ અને હત્યાના પ્રયાસના એક ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પોલીસે જણાવ્યું હતું.
તેણે કહ્યું કે ડી-ઝોયસા પરિવારને ઓળખે છે અને તેમના ઘરમાં રહે છે. ઓટાવાના પોલીસ વડા એરિક સ્ટબ્સે એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તે સંપૂર્ણપણે નિર્દોષ લોકો પર આચરવામાં આવેલ હિંસાનું એક અણસમજુ કૃત્ય હતું.
ઓટાવાના મેયર માર્ક સટક્લિફે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આપણા શહેરના ઈતિહાસમાં હિંસાની આ સૌથી ચોંકાવનારી ઘટના છે. પીડિતો ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ ઉપનગર બર્હેવનમાં એક ઘરની અંદરથી મળી આવ્યા હતા. 11 વાગ્યાના થોડા સમય પહેલા ઈમરજન્સી કોલ મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂૂ કરી હતી.
કેનેડામાં સામૂહિક હત્યાઓ કદી નથી થતી. ડિસેમ્બર-2022માં, એક વ્યક્તિએ ટોરોન્ટોના ઉપનગરમાં પોલીસ દ્વારા માર્યા ગયા તે પહેલાં પાંચ લોકોને ગોળી મારી હતી. તમને જણાવી દઈએ કે 10 લાખની વસ્તીવાળા ઓટાવામાં વર્ષ-2023માં 14 અને 2022માં 15 હત્યાઓ થઈ હતી. સપ્ટેમ્બર-2022માં એક વ્યક્તિએ પશ્ચિમી પ્રાંત સાસ્કાચેવાનમાં 11 લોકોની છરી મારીને હત્યા કરી હતી. કોકેઈનના ઓવરડોઝને કારણે તેની ધરપકડ પછી તરત જ તેનું મૃત્યુ થયું હતું.