વિદેશીઓને તાળીઓના તાલે ગરબે ઘુમાવે છે ‘સોનલબેન ગરબાવાળા’
કેનેડામાં ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને ગરબા સહિત ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે ડો.સોનલ શાહ
કેનેડાના એક મંદિરમાં માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી. મંદિર વ્યવસ્થાપકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે જે મહિલા સાડી પહેરીને આવશે તેને જ કળશ યાત્રાનો લાભ મળશે.ભારતની જ એક દીકરીને કળશ યાત્રાનો લાભ લેવો હતો પરંતુ તેની પાસે સાડી નહોતી અને સાડી પહેરતા પણ આવડતું ન હોવાના કારણે ત્યાં રહેતી એક ભારતીય મહિલાને પોતાની વાત જણાવે છે. એ મહિલાએ પોતાની સાડી આપી એટલું જ નહિ પણ સુંદર રીતે પહેરાવી અને તૈયાર પણ કરી આપી. એ દીકરી ખૂબ જ ખુશ થઈ અને કળશ યાત્રાનો લાભ લીધો. પોતાની સાડી આપનાર એ ભારતીય મહિલા એટલે ડો.સોનલબેન શાહ. જેઓ કેનેડામાં રહીને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરે છે. આ તો ફક્ત સાડીની વાત હતી પરંતુ મહેંદી શીખવવાથી લઈને ગરબા અને દરેક રાજ્યના લોકનૃત્ય પણ તેઓ શીખવે છે. કેનેડામાં તેઓ ‘સોનલબેન ગરબાવાળા’ તરીકે જ ઓળખાય છે અને પોતાની આ ઓળખ માટે તેઓને ગર્વ છે.
મુંબઈમાં જન્મ અને ઉછેર થયો. 18 વર્ષની ઉંમરે લગ્ન કરીને વડોદરા આવ્યા. લગ્ન પછી આયુર્વેદ, નેચરોપેથી,સાઈકોલોજી વગેરે કર્યું અને 22 વર્ષની ઉંમરે સાઈકોલોજિસ્ટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી.દીકરી એશા અને દીકરા શુભમનો જન્મ થયો.બાળકોના ઉછેર સાથે તેઓ અનેકવિધ પ્રવૃત્તિ કરતા હતા. આ પ્રવૃત્તિમાં તેઓને સૌથી વધુ આકર્ષણ ગરબા પ્રત્યે હતું. પ્રાચીન-અર્વાચીન ગરબાનું તેમનું ગૃપ પણ હતું નવરાત્રીમાં તેઓ ગરબા ક્વીન બનતા. બેઠા ગરબા ઉપરાંત સંસ્કૃતમાં પણ ગરબા કરાવતા. કોરોના સમયે ઓનલાઇન ગરબામાં ઓસ્ટ્રેલિયા, કેનેડા,યુકેના લોકો પણ જોડાયા હતા.આ સમય દરમિયાન દીકરીને આગળ અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર કેનેડા જવાનું થયું એટલે સોનલબેન પણ અનુકૂળતા અનુસાર દીકરી પાસે કેનેડા આવવા જવા લાગ્યા,ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેઓ કેનેડામાં સ્થિર થયા છે ત્યારે ટોરેન્ટો, સ્કારબોરોમાં રહીને તેઓ ભારતીય સંસ્કૃતિની જ્યોત જલાવી રહ્યા છે.
છેલ્લા 17 વર્ષથી રીલેશનશિપ પર કાઉન્સિલિંગ કરનાર અને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારને જીવનમાં ઉતારનાર ડો. સોનલબેન શાહ જણાવે છે કે, ‘વિદેશમાં જ જન્મેલ અને ઉછેર પામેલ યુવાનો આપણાં પ્રાચીન-અર્વાચીન ગરબા, આપણી પરંપરા,સંસ્કૃતિ વિશે અજાણ હોય છે. તેથી તેમના માટે રાજસ્થાની નૃત્ય, ભાંગડા,લાવણી અને ગરબા શીખવીએ છીએ પરંતુ ગરબા શીખવવાનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.આ વર્ગોમાં ભારતીય લોકો સાથે વિદેશી લોકો પણ જોડાય છે. તેઓને હું તાળીનું મહત્ત્વ, ભાવનું મહત્ત્વ અને સંગીતનું મહત્ત્વ સુપેરે સમજાવું છું ત્યારે દરેક વિદેશીઓ પણ ભાષા ન જાણતા હોવા છતાં તાળીઓના તાલે મોજથી ગરબામાં ઝૂમી ઉઠે છે. અત્યાર સુધીમાં 350થી વધુ લોકોને ગરબા શીખવ્યા છે. વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર, કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે.’
તેમની દીકરી એશા રાજસ્થાની નૃત્ય અગ્નિ ભવાઈમાં એક્સપર્ટ છે જેમાં માથા પર અગ્નિ રાખીને નૃત્ય કરવાનું હોય છે. તાજેતરમાં નાથન ફિલિપ સ્ક્વેરમાં તેણીએ પરફોર્મ કર્યું અને ઇન્ટરનેશનલ ડાન્સિંગ શોમાં પણ પરફોર્મ કરવાની તક મળી છે. ભારતીય સંસ્કૃતિ અને આપણા મૂળભૂત રીતે રિવાજો જળવાઈ રહે તે માટે સોનલબેનને પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરવી છે જેમાં તેઓ આપણા શાસ્ત્રોકત રીતિ રિવાજો,વ્રત,ઉત્સવ દરેકના કારણો અને મહત્ત્વ વિશેની માહિતી નવી પેઢીને આપી શકે. ડો.સોનલ શાહને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
વિદેશી લોકો પણ ગરબા રમતી વખતે ટ્રેડિશનલ સલવાર,કુર્તા અને ચણિયાચોળી દુપટ્ટા સાથે ગરબે રમે છે તે દૃશ્ય જોવા જેવું હોય છે: ડો.સોનલ શાહ
સ્ત્રીનું સ્વરૂપ સાડીમાં વધુ નિખરે છે
મહિલાઓને સંદેશ આપતા તેઓ જણાવે છે કે, ‘દરેક દેશના લોકો પોતાના કલ્ચરને પ્રમોટ કરતા હોય તો ભારતીય થઈને આપણે આપણા કલ્ચરને કઈ રીતે ભૂલી શકીએ? અન્ય દેશના લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે જ્યારે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈને આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ.આપણે સાડી પહેરતા ભૂલી ગયા છીએ એટલું જ નહીં પરંતુ કુર્તા અને દુપટ્ટા પણ બહેનોના વસ્ત્રોમાંથી ગાયબ થઈ ગયા છે.ભગવાને સ્ત્રીને જે રૂૂપ આપ્યું છે તે સાડીમાં સૌથી વધુ નિખરે છે. જો સવારે જીમમાં જતી વખતે,ઓફિસ જતી વખતે કે પછી બહાર ફરવા જતી વખતે અલગ પ્રકારના કપડાં પહેરીએ છીએ તો પછી આપણા ટ્રેડિશનલ તહેવારો, પૂજા અને મંદિરમાં દર્શન કરવા જતી વખતે સાડી અથવા દુપટ્ટા સાથેની કુર્તી કેમ ન પહેરી શકીએ? ઇન્ડિયન કલ્ચર ખૂબ જ સમૃદ્ધ અને જાહોજલાલીવાળું છે. અહીંના લોકો વેજીટેરિયન અને વિગન બની રહ્યા છે ત્યારે આપણે ભારતીય તરીકે જાગૃત થવાની જરૂર છે.’
WRITTEN BY :- BHAVNA DOSHI